સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સતત ચાર દિવસ અવિરત વરસાદ વરસ્યા બાદ ગત બપોરથી મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો જાકે વિતેલા ૨૪ કલાક દરમિયાન સુરત જિલ્લાના પલસાણામાં સાડા ચાર ઈંચ અને સુરત સિટીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબકતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું આ ઉપરાંત વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં એકાદ-બે તાલુકા સિવાય મેઘાનો વિરામ રહ્યો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતને સતત ચાર દિવસ બઘડાટી બોલાવ્યા બાદ વરસાદનું જોર હવે ધીમું પડવા માંડ્યું છે સતત વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં નદી-નાળાં બે કાંઠે વહેવા લાગ્યા હતા અને સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું ભારે વરસાદને લઇને જનજીવન પણ ભાવિત થયું હતો મોટાભાગે સવારના અરસામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા કામ ધંધા અને નોકરી ઉપર જનારા લોકોને પણ હાલાકી ભોગવવી પડી હતી ગતરોજ બપોર બાદ વરસાદ વરસવાનું બંધ થતાં લોકોએ હવે રાહત અનુભવી હતી સુરત શહેરમાં આજે સવારથી ઉઘાડ કાઢીને સૂર્ય દેવતાના દર્શન થયા હતા.
ફલડ વિભાગના સૂત્રોના હવાલેથી મળતી વિગતો મુજબ વિતેલા ચોવીસ કલાક દરમ્યાન સુરત જિલ્લાના બારડોલીમાં ૫૯ મી.મી. કામરેજ ૧૩.મી.મી. ઓલપાડ ૫૩ મી.મી. જ્યારે પલસાણા તાલુકામાં સાડા ચાર ઈંચ એટલે કે મુસળધાર ૧૧૯ મી.મી સુરત સીટી સાડા ત્રણ ઈંચ એટલે કે ૮૪મી.મી. વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી જ્યારે મહુવા અને ચોર્યાસી તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા હતા તેમજ ઉમરપાડા માંગરોળ અને માંડવી કોરા ધાકોર રહ્યા હતા નવસારી ફલડ વક્તા મુજબ ખેરગામમાં ૨૪મી.મી. ચીખલી ૬૦મી.મી. જલાલપોર ૧૮ મી.મી. નવસારી ૧૭ મી.મી. વાસલા ૯ મી.મી. ત્યારે ગણદેવીમાં સામાન્ય ઝાપટા રૂપે વરસાદ વરસ્યો હતો.
આ ઉપરાંત વલસાડ જિલ્લામાં ધરમપુર અડધો ઈંચ વલસાડ અને વાપીમાં હળવા ઝાપટા વરસ્યા હતા ડાંગ જિલ્લામાં માત્ર સાપુતારામાં એક ઈંચ સિવાય આહવા સુબીર અને વઘઇમાં વિરામ ફરમાવ્યો હતો તાપી જિલ્લામાં વ્યારા વાલોડ અને ડોલવણમાં સામાન્ય ઝાપટાં જ્યારે અન્ય તાલુકાઓમાં મેઘરાજાએ વરાપ કાઢતા લોકોએ રાહત અનુભવી હતી અત્રે નોંધનીય છે કે સતત ચાર દિવસ સુધી વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારમાં નદી, નાળાઓ છલકાઇ ગયા હતા અને વાડી ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા તેમજ ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે તાપી, અંબિકા, મિંઢોળા અને કાવેરી જેવી નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી જોકે હવે વરસાદનું જોર ઘટતા લોકમાતાઓમાં જળરાશીના લેવલમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500