Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોસંબા ગામે રેલવે સ્ટેશન રોડ પર મુખ્ય બજારમાં આવેલ આઝાદી પૂર્વેથી સ્થાપિત એવી 120થી વધુ દુકાનોને રેલવે દ્વારા નોટિસ અપાતા વ્યાપારીઓમા નારાજગી ફેલાઈ

  • September 08, 2023 

સુરતના માંગરોળ તાલુકાના કોસંબા ગામે રેલવે સ્ટેશન રોડ પર મુખ્ય બજારમાં આવેલા આઝાદી પૂર્વેથી સ્થાપિત એવી 120થી વધુ દુકાનોને રેલવે દ્વારા તેમની હદમાં હોવાનું જણાવી 15 દિવસમાં હટાવવા સંદર્ભે નોટિસ આપી હતી. દુકાનનો ભોગવટો કરી રહેલા વેપારીઓમાં પોતાની રોજીરોટી છીનવાઈ જશે તે બીકથી ભારે નારાજગી ફેલાઈ રહી હતી. જેથી બહોળી સંખ્યામાં વેપારીઓ ભેગા થયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. સુત્રો  પાસેથી મળતી માહિતી અનુસાર, કોસંબા પશ્ચિમ વિભાગમાં પશ્ચિમ રેલવેને સમાંતર રેલવે સ્ટેશન રોડ પર રેલવે તરફ આવેલી દુકાનો અંદાજિત 80 વર્ષથી વધુ જૂની છે. આઝાદી પહેલાથી ગાયકવાડ સરકારના સમયથી આ જગ્યાએ લોકો નાની-નાની દુકાન અને પાથરણા પાથરી પોતાની રોજી-રોટી ચલાવી વેપાર કરતાં આવ્યા છે. તરસાડીનું મુખ્ય બજાર પણ આવેલું છે.



રેલવેના મત મુજબ રેલવેને સમાંતર આ દુકાનોની લાઈન રેલવેની હદમાં છે. જેથી બુધવારે દિવસ દરમિયાન ભરૂચ સેક્સન એન્જિનિયર પશ્ચિમ રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલી એક નોટિસ બધી દુકાનો ઉપર મારવામાં આવી હતી. નોટીસમાં જણાવામાં આવ્યું હતું કે, કોસંબા રેલવે સ્ટેશનના પશ્ચિમ ભાગમાં રેલવે દ્વારા વાર્ષિક નિરિક્ષણમાં આ જમીન રેલવેની હદમાં છે અને તેની ઉપર બાંધવામાં આવેલા બાંધકામ પણ રેલવેની હદમાં હોવાનું બહાર આવ્યું હતું. જેથી રેલવે પ્રસાશને આદેશ જાહેર કરી 120થી વધુ દુકાનદારોને તેમની દુકાન ઉપર નોટિસ ચોંટાડી આ ગેરકાયદે બાંધકામ 15 દિવસની અંદર હટાવી લેવાની સૂચના નોટિસના માધ્યમથી આપવામાં આવી હતી.



ત્યારબાદ રેલવે પોતાની રીતે કાર્યવાહી કરશે તેવું જણાવવામાં આવ્યું છે. આ નોટિસને પગલે મોટી સંખ્યામાં દુકાનદારો પ્રભાવિત થતા વર્ષોથી કામધંધો જમાવી બેઠેલા આ વેપારી વર્ગમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેથી સવારે બહોળી સંખ્યામાં સ્થાનિક વેપારીઓ તેમજ રાજકીય આગેવાનો એકઠા થયા હતા અને આ બાબતે રોષ વ્યક્ત કર્યો હતો. તરસાડી નગર ભાજપ પ્રમુખ સંગઠનના પ્રમુખએ જણાવ્યું હતું કે, આજે 150 જેટલા વેપારીઓ સાથે બેઠક કરી હતી અને 80 વર્ષથી આ દુકાનો છે. આ કુટુંબો તેઓ પર જ નિર્ભર છે. ત્યારે આ ડીમોલેશન અટકે તે માટે ઉપલા સ્તરે રજૂઆત કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application