વધતી જતી મોંઘવારીનો માર વેઠી રહેલા પશ્ચિમી દેશ જર્મનીનાં કર્મચારીઓએ વેતન વધારાની માંગણી માટે 24 કલાકની સામૂહિક હડતાલનું એલાન કર્યું છે. સોમવારનાં રોજ હડતાળને કારણે જર્મનીમાં રેલ સેવા, હવાઈ સેવા અને અન્ય પેસેન્જર સેવાઓ ઠપ થઈ ગઈ હતી. લગભગ 30,000 કામદારોની હડતાળને કારણે એરપોર્ટ, લાંબા અંતરની રેલ મુસાફરી, ટ્રામ સર્વિસ, મેટ્રો, બસો અને બંદરોને સૌથી વધુ અસર થઈ હતી. ત્યાં બધું ઠપ થઈ ગયું હતું અને લોકોને તેમના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી હતી.
ટ્રેડ યુનિયન વેર્ડી અને EVG દ્વારા બોલાવવામાં આવેલી સામૂહિક હડતાળને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જર્મનીનાં 16 રાજ્યોમાં એક જેવો નજારો છે. શાળા, કોલેજ અથવા દુકાન કે ઓફિસ જવા માટે લોકોને કાં તો સાયકલ, સ્કૂટર, કાર અથવા ટેક્સીનો સહારો લેવો પડે છે અથવા રસ્તા પર ટેક્સી માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડે છે. મળતી માહીતી અનુસાર, મજૂર યુનિયન વેર્ડીનાં બોસ ફ્રેન્ક વર્નેકે સરકારી મીડિયાને જણાવ્યું હતું કે, 'સામાન્ય જનતાને અસર ન કરે તે મજૂર સંઘર્ષ નકામું છે.'
તેમણે સ્વીકાર્યું હતું કે, હડતાલનાં કારણે ઘણા દૈનિક મુસાફરો અને રજાઓ માણનારાઓને મુશ્કેલી થશે 'પરંતુ એક દિવસની મુશ્કેલી કામદારો દ્વારા સામનો કરવામાં આવતી દૈનિક મુશ્કેલી કરતાં વધુ સારી છે કારણ કે તેનાથી વેતન વધારાની વાટાઘાટ થવાની સંભાવના છે. વેર્ડી આશરે 25 લાખ કર્મચારીઓ અને EVG 2.3 લાખ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે. વેર્ડી માસિક પગારમાં 10.5 ટકાના વધારાની માંગ કરી રહી છે જ્યારે EVG 12 ટકા વધારાની માંગ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500