દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા આઠ મહિનાથી દારૂ વેચતો હતો. તેમ છતાંય માંજલપુર પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડો પાડયો હતો. જોકે, સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમના હાથે દારૂનો વધુ જથ્થો આવે તે પહેલા જ સગેવગે કરી દેવામાં આવ્યો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલને માહિતી મળી હતી કે, માંજલપુર કોતર તલાવડી સિકોતર નગર-2ની સામે મેલડી નગરમાં ખુલ્લી જગ્યામાં ગણેશ વારકે અને તેનો દીકરો રાજ વારકે માણસો રાખી વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.
જેથી એસ.એમ.સી.ની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા મોપેડ પર એક વ્યક્તિ બેઠો હતો. જ્યારે એક વ્યક્તિ ઉભો હતો. પોલીસને જોઇને મોપેડ પાસે ઉભેલો શખ્સ ભાગી ગયો હતો. જ્યારે મોપેડ પર બેઠેલા નિલેશ અશોકભાઇ ડોઢરે (રહે.કોતર તલાવડી, મેલડી નગર, ગણેશ શંકરભાઇ વારકેના મકાનમાં, માંજલપુર, મૂળ રહે.નંદુરબાર, મહારાષ્ટ્ર) પકડાઇ ગયો હતો. ભાગી જનાર આરોપીનું નામ રાજ ગણેશભાઇ વારકે હોવાનું જાણવા મળ્યું હતું. મોપેડની ડીકીમાંથી દારૂની બે બોટલ મળી આવી હતી. જોકે દારૂનો બીજો જથ્થા સુધી પોલીસ પહોંચે તે પહેલા જ સગેવગે કરી દેવામાં આવ્યો હતો.
નિલેશે પોલીસને જણાવ્યું હતું કે, ગણેશ અને તેનો દીકરો રાજ છેલ્લા આઠ મહિનાથી દારૂનો ધંધો કરે છે. હું છેલ્લા બે મહિનાથી ધંધા પર 500 રૂપિયા રોજ પર નોકરી કરૂં છું. ગણેશ વારકે મારા સગા ફુવા થાય છે. ચાર વાગ્યે હું તથા રાજ મોપેડ લઇને આવ્યો હતો. દારૂ લેવા આવતા ગ્રાહકોને હું ડીકીમાંથી દારૂની બોટલ કાઢીને આપતો હતો. દારૂના રૂપિયા રાજ રાખતો હતો. તેમજ જે ગ્રાહકો ઓનલાઇન પે મેન્ટ કરતા હોય તેઓને મારા મોબાઇલમાં રાખેલા રાજ વારકેના ક્યુ આર કોડ પર કરતા હતા. રાજ વારકે અગાઉ માંજલપુર પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં વોન્ટેડ છે. પોલીસે દારૂની બે બોટલ, રોકડા, મોપેડ તથા મોબાઇલ મળીને કુલ રૂપિયા ૩૧,૦૬૫/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500