ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૂની હેરાફેરી વધી રહી છે ત્યારે મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે છાલા પાસે ઢાબા ઉપર દરોડો પાડીને ઊભેલી ટ્રકમાં ચોરખાનું બનાવીને લઈ જવાતી વિદેશી દારૂની 2904 જેટલી બોટલ કબ્જે કરી લીધી હતી અને 14.76 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી.
તે દરમિયાન બાતમી મળી હતી કે, ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર છાલા પાસે આશાપુરા ઢાબાના પાકગમાં એક ટ્રક પડયો છે જેમાં વિદેશી દારૃનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. જેના પગલે પોલીસ અહીં પહોંચી હતી અને તપાસ કરતા ડ્રાઇવર કેબીનમાં સુઈ રહ્યો હતો. જેને જગાડતા તેની પૂછપરછ કરી હતી અને તેનું નામ ભાથીભાઈ જવાભાઈ ડામોર રહે ડામોર ઢુંઢા તાલુકો મેઘરજ અરવલ્લી હોવાનું બહાર આવ્યું હતું. જોકે પોલીસ ટ્રકમાં પાછળના ભાગે તપાસ કરતા કઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી ન હતી.
પરંતુ બાતમી ચોક્કસ હોવાથી પોલીસે ડ્રાઇવરની કડકાઈથી પૂછપરછ કરતા કેબિનમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂ સંતાડવામાં આવ્યો હોવાની કબુલાત કરી હતી. જે પોલીસે તપાસ કરતા દારૂ બિયરની 2904 જેટલી બોટલ મળી આવી હતી. દારૂ અને ટ્રક મળી પોલીસે 14.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો. ડ્રાઇવરે જણાવ્યું હતું કે, તે રાજસ્થાનના ભીલવાડા પાસે ડીઝલ પુરાવા ઉભો રહ્યો હતો. તે દરમિયાન એક શખ્સ તેની પાસે બાઈક લઈને આવ્યો હતો અને ટ્રકમાં દારૂ ભરી નાના ચિલોડા ઉતારવા માટે 50 હજાર રૂપિયા આપવાની વાત કરી હતી જેથી તે તૈયાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500