Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાહુલ ગાંધીએ ક્યારેય નહીં વિચાર્યું હોય કે 3-3 દાયકાથી કોંગ્રેસમાં રહેલાં આટલાં મોટા નેતા એક દિવસ ભાજપમાં જોડાઈ જશે

  • March 06, 2024 

રાહુલ ગાંધીએ પણ ક્યારેય નહીં વિચાર્યું હોય કે 3-3 દાયકાથી કોંગ્રેસમાં રહેલાં આટલાં મોટા નેતા એક દિવસ ભાજપમાં જોડાઈ જશે. પણ આ તો કહેવાય છેને, કે રાજનીતિમાં કંઈ પણ થઈ શકે. હાલ ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસ માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. કારણકે, એક સમયે ગુજરાત કોંગ્રેસના કેપ્ટન રહેલાં, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ રહેલાં અને ભાજપ અને પ્રધાનમંત્રી મોદીનો સૌથી વધુ વિરોધ કરનાર અર્જૂન મોઢવાડિયા આજે ભાજપમાં જોડાઈ ગયા છે. આ સાથે જ અમરેલી જિલ્લાના રાજુલાથી કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા અંબરીષ ડેરે પણ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. જ્યારે જામનગરથી મૂળૂ કંડોરિયા પણ ભાજપમાં જોડાઈ ગયાં છે. કમલમ પર આજે પાર્ટી જેવો માહોલ છે.. તો કોંગ્રેસની ઓફિસ પર સન્નાટો જોવા મળી રહ્યો છે.


ભાજપમાં જોડાતાની સાથે અર્જૂન મોઢવાડિયાએ કહ્યુંકે, હું દાયકાઓ સુધી કોંગ્રેસમાં રહ્યો પણ ત્યાં મને ગુંગળામણ થતી હતી. ત્યાં લોકહિતની કોઈ વાત થતી નથી. મને પ્રધાનમંત્રી મોદીની કાર્યશૈલીમાં શ્રદ્ધા છે. હું કોઈપણ લોભ, લાલચ કે શરત વિના ભાજપમાં એક સામાન્ય કાર્યકર તરીકે જોડાયો છું. હાઈકમાન્ડ મને જે જવાબદારી સોંપશે હું તે નિભાવીશ. જ્યારે અંબરીષ ડેરે કહ્યુંકે, હું રાજકારણમાં લોકોની ભલાઈ માટે આવ્યો છું. મને લાગે છેકે, ભાજપમાં મને એ કામ કરવાની તક મળશે. હું પ્રધાનમંત્રી મોદીની કાર્ય પદ્ધતિ અને રાષ્ટ્રીય ભાવનાથી પ્રેરાઈને જનહિત માટે રાષ્ટ્રહિત માટેની કાર્યો કરવા માટે ભાજપમાં જોડાઈ રહ્યો છું. કોંગ્રેસના પિલ્લર સમાન નેતાઓ છોડી રહ્યાં છે પાર્ટી. વર્ષો સુધી કોંગ્રેસ અને ગાંધીવાદી વિચારધારાની વાત કરનારા નેતાઓ હવે કરવા જઈ રહ્યાં છે કેસરિયા. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા તેમજ અંબરીષ ડેર બપોરે કેસરિયા કરશે.


ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં આ નેતાઓ પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાશે. ગુજરાતમાં 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ પાર્ટીએ પોતાનું સૌથી નિરાશાજનક પ્રદર્શન કરતા માત્ર 17 સીટો જીતી હતી. પરંતુ હવે કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 14 રહી ગઈ છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્ય રાજીનામા આપી ચુક્યાં છે. એટલે કે એક બાદ એક નેતા કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યાં છે. રાહુલ ગાંધી ગુજરાત આવે તે પહેલાં જ કોંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. ભારત જોડો ન્યાય યાત્રાથી રાહુલ ગાંધી દેશના લોકોને કોંગ્રેસ સાથે જોડવાના કરી રહ્યા છે, તો બીજી તરફ તેમની જ પાર્ટીના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસને એક બાદ એક અલવિદા કહી રહ્યા છે. રાહુલ ગાંધી 7 માર્ચે પોતાની ન્યાય યાત્રા લઈને ગુજરાત આવી રહ્યા છે.


ત્યારે રાહુલ ગાંધી હજુ ગુજરાતમાં પ્રવેશે તે પહેલાં જ ગુજરાત કોંગ્રેસમાંથી એક બાદ એક એમ બે દિગ્ગજોએ કોંગ્રેસને અલવિદા કહ્યુ છે. સોમવારનો દિવસ જાણે કોંગ્રેસ માટે નિરાશા લઈને આવ્યો. કેમ કે એક જ દિવસમાં સૌરાષ્ટ્રના દિગ્ગજ ગણાતા બે નેતાઓએ કોંગ્રેસનો હાથ છોડી દીધો છે. સવારે રાજુલા વિધાનસભના પૂર્વ ધારાસભ્ય અમરિશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું, તો સાંજે પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસને રામ રામ કરી દીધા છે.  લોકસભા ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી માટે આ બે રાજીનામા બહુ મોટા ફટકા સમાન છે. કારણ કે અર્જૂન મોઢવાડિયા અને અમરિશ ડેર એક જાણીતા અને સક્રિય નેતાઓ છે.


ત્યારે બંને તેનાઓના ભાજપમાં જવાથી કોંગ્રેસને મોટું નુકસાન અને ભાજપને ચોક્કસથી ફાયદો થવાનો છે. આખરે કોંગ્રેસના અર્જુને રાજકારણના પંજાને રામ રામ કહી દીધા છે. અને કોંગ્રેસ પાર્ટીમાંથી જવા માટે એક કારણ પણ રામનું આપ્યું છે. રાજીનામું આપનારા અર્જુન મોઢવાડિયાએ કહ્યુ કે રામ મંદિર મામલે કોંગ્રેસના સ્ટેન્ડને લઈને દુ:ખી થયો હતો. રામ મંદિરના વિરોધથી કોંગ્રેસમાં ગૂંગળામણ અનુભવતા અર્જુન મોઢવાડિયા સીધા જ વિધાનસભા પહોંચ્યા, તો બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ પોતાનો થરાદનો કાર્યક્રમ ટૂંકાવીને ગાંધીનગર આવી ગયા.


જ્યાં કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા અર્જૂન મોઢવાડિયાએ વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપીને હંમેશા માટે કોંગ્રેસને રામ રામ કહી દીધા. ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. એક બાદ એક કોંગ્રેસને ફટકા લાગી રહ્યા છે. ત્યારે કોંગ્રેસને રામ રામ કરતા સમયે અર્જુન મોઢવાડિયાને કોંગ્રેસના નેતાઓને એક સલાહ પણ આપી છે. જેમાં તેમણે કહ્યુ કે મારા જેવા કાર્યકરો કેમ પાર્ટી છોડી રહ્યા છે, તે અંગે કોંગ્રેસે મંથન કરવાની જરૂર છે. અર્જુન મોઢવાડિયાની સાથે સાથે કોંગ્રેસને બીજો પણ એક ઝટકો લાગ્યો હતો.


જેમાં સાંજે અર્જૂન મોઢવાડિયા રાજીનામું આપ્યું તો સવારે રાજુલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના દિગગજ નેતા અંબરીશ ડેરે પણ કોંગ્રેસને અલવિદા કહ્યુ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે છેલ્લા બે વર્ષથી અમરિશ ડેરને ભાજપમાં જોડવાને લઈને સંકેત આપી રહ્યા હતા. ત્યારે સી.આર.પાટીલે અમરિશ ડેરના અમદાવાદના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લેવા પહોંચતા, રાજીનામાની વાત ચર્ચાએ જોર પકડ્યુ હતું. ત્યારે સી.આર.પાટીલ અને અમરિશ ડેરની મુલાકાત બાદ અમરિશ ડેરે ભાજપમાં આવવાની ઓફરનો સ્વીકાર કર્યો અને કોંગ્રેસને અલવિદા કહી દીધુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application