આજના AI (આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સ) અને સોશિયલ મીડિયાના જમાનામાં રેડિયોનું મહત્વ અકબંધ રહ્યું છે. રેડિયો સાથે દરેકના બાળપણની યાદો જોડાયેલી છે. સ્માર્ટફોન આવ્યા બાદ લોકોના મનમાં એવુ હતું કે, રેડિયો વિસરાઈ જશે પરંતુ આજે ડિજિટલ યુગમાં પણ રેડિયો પ્રત્યે લોકોની રૂચિ જરાય ઓછી થઈ નથી. જનસંચારનું વિશ્વસનીય અને સચોટ માધ્યમ તરીકે રેડિયા આજે પણ કાયમ છે. યૂનેસ્કો દ્વારા વર્ષ ૨૦૧૧થી દર વર્ષે ૧૩ ફેબ્રુઆરીને દુનિયાભરમાં ‘વર્લ્ડ રેડિયો ડે’ તરીકે ઉજવવાની જાહેરાત કરાઈ હતી. જેનો હેતુ મીડિયા અને લોકો વચ્ચે રહેલા રેડિયોના માધ્યમને વધુ મજબૂત બનાવવાનો છે. રેડિયોના માધ્યમથી લોકોને વિશ્વસનીય સૂચના અને જાણકારી મળે છે. આજે વિશ્વ રેડિયો દિવસ નિમિત્તે એવા લોકો સાથે વાત કરવા જઈ રહ્યા છે જેઓ ખેડૂતો, મહિલાઓ અને યુવા વર્ગ સુધી પહોંચવા માટે રેડિયોને અસરકારક માધ્યમ તરીકે માને છે.
ભારતમાં ઈતિહાસ રચનાર ‘‘રામાયણ’’ ટીવી ધારાવાહિકમાં રાવણના નાના તરીકે અભિનય કરનાર વલસાડના કલાકાર રમેશભાઈ ચાંપાનેરી છેલ્લા ૫૦ વર્ષથી ગુજરાતના ખૂણે ખૂણે આવેલા રેડિયો સ્ટેશન પર અનેકવિધ કાર્યક્રમો આપે છે. જેમાં સૌથી લોકપ્રિય કહી શકાય એવો અમૃતધારા કાર્યક્રમ. જયારે ટીવી ન હતા ત્યારે આ કાર્યક્રમને રેડિયો પર માણવા માટે સૌ ગોઠવાઈ જતા હતા. ત્યારબાદ રંગ રંગ વાદળિયા, હસી ખુશી, મજૂરભાઈનો પ્રોગ્રામ, પતંગનો ઈતિહાસ અને લોકજીવનમાં લોકસાહિત્યનો પ્રભાવ સહિત ૧૨૫થી વધુ કાર્યક્રમો રેડિયો પર પ્રસારિત થઈ ચૂક્યા છે. વિશ્વ રેડિયો દિવસની સૌ શ્રોતાઓને શુભેચ્છા પાઠવતા રમેશભાઈ ચાંપાનેરી જણાવે છે કે, પહેલા એવો સમય હતો કે, દિવસની શરૂઆત રેડિયો સાંભળવાથી થતી હતી.
ટીવી પાસે સતત બેસી રહેવુ પડે છે જ્યારે રેડિયો હાલતા ચાલતા અને કામ કરતા કરતા પણ આપણને મોજ કરાવે છે. રેડિયોનું મહત્વ આજના સમયમાં પણ અન્ય માધ્યમો કરતા જરાય પણ ઓછુ આંકી શકાય નહીં. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ દેશવાસીઓને પોતાના મનની વાત કહેવા માટે રેડિયો પર આવે છે. પીએમ મોદીએ રેડિયોને ફરીથી લોકોના ઘરો સુધી પહોંચાડ્યો છે. આકાશવાણીના દમણ કેન્દ્ર ઉપરથી રાષ્ટ્રીય નિર્માણ અને યુવાનો, મારો સંકલ્પ - સ્વચ્છ ભારત, અસરકારક સમય સંચાલન, કારકિર્દી માર્ગદર્શન અને પરામશૅ, સફળતા માટે આવશ્યક કૌશલ્ય, આધુનિક ભારતમાં સ્કીલનું મહત્વ, ડો. બાબાસાહેબ આંબેડકરનું પ્રેરણાદાયી જીવન, આઝાદી પછી ભારતની ઔદ્યોગિક ક્રાંતિ, અસરકારક કોમ્યુનિકેશન, પ્રી-પ્લાનિંગ ઓફ બોર્ડ એક્ઝામ, ઇન્ટરવ્યૂ ટીપ્સ એન્ડ એટીટ્યુડ અને ચાઈલ્ડ લીડરશીપ જેવા કાર્યક્રમોનું બ્રોડકાસ્ટ કરનાર વલસાડના મોટીવેશનલ સ્પીકર દર્શનકુમાર સોલંકી જણાવે છે કે, દર કલાકે અને દર મિનિટે રેડિયો વિશ્વભરના લોકોને સર્વકાલીન મનોરંજન પ્રદાન કરી તેમનો શ્રેષ્ઠ મિત્ર રહ્યો છે. રેડિયો શક્તિશાળી છે તેઓ લાખો કાન સુધી પહોંચી શકે છે.
યુવાનોના વ્યક્તિત્વના વિકાસ અને ચારિત્ર નિર્માણ, સંસ્કારોનું સિંચન, વિવિધ સંગીતો, લેટેસ્ટ માહિતી, સમાચારો, સરકારની વિવિધ યોજનાઓની માહિતી, શિક્ષણનો પ્રચાર, અભિવ્યક્તિની સ્વાતંત્રતા, રાષ્ટ્રીય નિર્માણ, સ્વાસ્થ્ય, સાર્વજનિક ચર્ચા અને અન્ય સમાજ ઉપયોગી અનેક કાર્યોમાં રેડિયોની ભૂમિકા મહત્વની રહી છે. આજે રેડિયો આપણને મનોરંજન, શિક્ષણ અને અસરકારક માહિતી આપતું સરળ અને સુલભ, શ્રાવ્ય માધ્યમ બન્યું છે. રેડિયોના આકાશવાણી દમણ કેન્દ્ર પર મારો દેશ મારી વાત, મારો પુસ્તક પ્રેમ અને ભારતનું ભવિષ્ય યુવાનો વિષય પર વકતવ્ય આપનાર કિલ્લા પારડીમાં પુસ્તક પરબના પ્રણેતા, સલવાવ શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળના ચીફ એડિટર અને કટાર લેખક કિંજલ દીપેશ પંડયાએ જણાવ્યું કે, મારા વક્તવ્યો હંમેશા યુવાનો અને આજની પેઢીને પસંદ પડે તેવાં હોય છે.
મને સાંભળ્યા પછી એમનાં પ્રતિસાદો પણ આવે છે. રેડિયો ફક્ત આપણાં વડીલોને જ નહીં પરંતુ આજની પેઢીને પણ એટલો જ આકર્ષે છે. સૌ કોઈને લાગે છે કે, આપણે એક આધુનિક જીવનમાં સ્માર્ટફોન સાથે જીવીએ છીએ. તેથી આપણને ગમતું બધું જ ફોનમાં મળી રહે છે. પરંતુ જ્યારે જ્યારે આપણે રેડિયો સાંભળીએ છીએ ત્યારે આપણી આ ધારણા ખોટી પડે છે. આજે ફરી એકવાર રેડિયો ઘર અને ગાડીમાં ગૂંજવા માંડ્યો છે. રેડિયો ભારતીયોના હૃદયમાંથી ગયો નથી. એના રંગ-રૂપ બદલાયા છે પણ એને સાંભળવાની અનોખી મજા છે એમાં જરાયે ઓછપ આવી નથી. કપરાડાના મોટાપોંઢા ખાતે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રાધ્યાપક, પુસ્તક પરબના પ્રણેતા અને ગૌદાન કાર્યક્રમ ચલાવનાર ડો.આશાબેન ગોહિલ જણાવે છે કે, રેડિયો પર જે ન્યૂઝ કે માહિતી પ્રસારિત થતી હોય છે તે ઠરેલ અને વિશ્વસનીય હોય છે. લોકોમાં ખોટો હાઉં ઉભો કરે તેવી નથી હોતી.
અત્યાર સુધીમાં દમણ આકાશવાણી કેન્દ્ર પરથી સાહિત્યકાર ઉમાશંકર જોશી, વીર નર્મદ, કુંદનિકાબેન કાપડીયા સ્મરણાંજલિ, ગુજરાતના સાહિત્યકારો, ગમતા પુસ્તકો, વાંચન રસ કેળવીએ અને દેશભક્તોના પ્રેરણાદાયી જીવન વિષય પર શ્રોતાઓને કાર્યક્રમો આપ્યા છે. ટ્રાવેલિંગ વખતે રેડિયો ખૂબ જ ઉપયોગી ગણાય છે. રેડિયો પર વખતોવખત ખેતીવાડી, મહિલા રોજગારી અને કૂપોષણ નાબૂદી સહિતના સરકારના અનેકવિધ અભિયાનો વિશે માર્ગદર્શક કાર્યક્રમ આપનાર કપરાડાના અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહ વૈજ્ઞાનિક પ્રેમિલાબેન આહિર જણાવે છે કે, વર્ષ ૨૦૦૭થી રેડિયો પર ઘર આંગણે પોષકતત્વોની ખેતી, ખેતી અને ખેત આધારિત પ્રવૃત્તિઓમાં મહિલાઓનો ફાળો, મશરૂમની ખેતી, ખેતીવાડીમાં મહિલાઓની ભૂમિકા, પલ્ગ નર્સરી, મહિલા ખેડૂતોનો કૃષિ વિકાસમાં ફાળો, મહિલા ખેડૂતો માટે તાલીમ, લોકડાઉનમાં કૃષિ ક્ષેત્રે સંકળાયેલી મહિલાઓએ રાખવાની કાળજી, આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિકરણ સહિતના અનેક પ્રોગ્રામ રેડિયો પર આપ્યા છે.
જે સાંભળી લોકો મને ફોન કરી પ્રતિભાવ પણ આપે છે. તો કેટલીક મહિલાઓ કેન્દ્ર ઉપર આવીને પણ વિસ્તૃત માર્ગદર્શન મેળવે છે. હાલના ડિજિટલ યુગમાં રેડિયો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પણ ઉપલબ્ધ છે જે પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ્લિકેશન ‘‘ન્યૂઝ ઓન એર’’ પરથી સમગ્ર ભારતમાં ચાલતા વિવિધ આકાશવાણી કેન્દ્રના લાઈવ બ્રોડકાસ્ટ સાંભળી શકાય છે. આ રેડિયોનું ડિજિટલકરણ હાલના ડિજિટલ યુગના યુવાનોને કનેક્ટ કરે છે. ભારતમાં રેડિયોનો વર્ષો જૂનો ટ્રેન્ડ આજે પણ જળવાયેલો રહ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ‘મન કી બાત’ અને ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમો થકી રેડિયોને ફરી ધબકતો કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. આવનારાં દિવસોમાં રેડિયોમાં કારકિર્દી હોય કે પછી એનાં માધ્યમ થકી લોકહૃદય સુધી પહોંચવાની વાત હોય તો રેડિયો જરૂરથી સોળે કળાએ ખીલતો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationવલસાડના કોસમકુવા ગામનું સબ સેન્ટર નેશનલ લેવલે ક્વોલિફાઈડ થયું
February 13, 2025આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક ખતરનાક સાધન : દિલ્હી હાઇકોર્ટ
February 13, 2025દિલ્હી પોલીસે જામિયા યુનિવર્સિટીના 14 વિદ્યાર્થીઓની અટકાયત કરી
February 13, 2025