કોરોના વાયરસના યુકે અને યુરોપના દેશોમાં જોવા મળેલા નવા પ્રકારને પગલે સતર્કતારૂપે ભારત સરકારે આ દેશોમાંથી ભારત આવતી તમામ હવાઇ ઉડાન ૨૩ ડિસેમ્બરથી રદ કરી છે.
ભારત સરકારે એવા દિશા નિર્દેશો પણ આપ્યા છે કે આ દેશોમાંથી ૨૫ નવેમ્બરથી ૮ ડિસેમ્બર દરમિયાન આવેલા તમામ મુસાફરોએ સેલ્ફ મોનીટરીંગમાં રહેવું પડશે. એટલું જ નહીં ૯મી ડિસેમ્બર થી ૨૩-ડિસેમ્બરના સમય દરમિયાન ભારત આવેલા તમામ મુસાફરોને આઈસોલેશનમાં રહેવું પડશે તથા તે બધાના જ RTPCR ટેસ્ટ ફરજીયાતપણે કરાવવાના રહેશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના પરિવારે પણ ભારત સરકારના આ દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરીને આગવું ઉદાહરણ અન્ય નાગરિકોને પૂરું પાડ્યું છે મુખ્યમંત્રીશ્રીના પુત્રી રાધિકા તથા જમાઈ નિમિત્ત અને પૌત્ર શૌર્ય પણ આ સમય દરમિયાન યુકેથી ગુજરાત આવ્યા છે અને તેમણે ભારત સરકાર ની ગાઈડ લાઇન્સ મુજબ પોતાનો RTPCR ટેસ્ટ કરાવ્યો છે.આ ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભારત સરકારના દિશા નિર્દેશો મુજબ ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગે પણ યુ.કે. યુરોપના દેશોમાંથી આવેલા મુસાફરોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.તદ્દનુસાર તારીખ ૨૫ નવેમ્બર થી ૮ ડિસેમ્બર દરમિયાન આવા ૫૭૨ મુસાફરો યુ.કે યુરોપથી રાજ્યમાં આવેલા છે.તે પૈકી એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ ઉપરાંત ૯ ડિસેમ્બરથી ૨૩ ડિસેમ્બર દરમિયાન ૧૧૪૮ વ્યક્તિઓ આ દેશોથી ગુજરાતમાં આવ્યા છે તેમના RTPCR ટેસ્ટમાં અમદાવાદ-૪, વડોદરા-૨, આણંદ-૨, ભરૂચ-૨ અને વલસાડ-૧ વ્યક્તિઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે. આ વ્યક્તિઓને વિવિધ હોસ્પિટલોમાં સારવાર માટે રાખવામાં આવ્યા છે. તાજેતરમાં જોવા મળેલા કોરોના વાયરસના નવા પ્રકારના લક્ષણો-ચિન્હો આ વ્યક્તિઓમાં છે કે કેમ તેની સંપૂર્ણ તપાસ માટે તેમના સેમ્પલ પૂનાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી અને ગાંધીનગરની ગુજરાત બાયોલોજીકલ રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે, સામાન્યત આ સેમ્પલની તપાસ માટે ૮ થી ૧૦ દિવસનો સમયગાળો જતો હોય છે એટલે આગામી સપ્તાહમાં તેમના અંતિમ-ફાઇનલ રિપોર્ટ આવ્યા બાદ સારવાર-સુશ્રૃષાની આગળની વ્યવસ્થાઓ-તકેદારી રાજ્ય સરકાર લેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500