Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આર.બી.આઈ.એ ત્રીજી વખત રેપો રેટ 6.50 ટકા જાળવી રાખ્યો

  • August 11, 2023 

નાણાં નીતિની ત્રણ દિવસની સમીક્ષા બેઠકનાં અંતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટિ (એમ.પી.સી.)એ ગુરૂવારે રેપો રેટ યથાવત રાખવાનો સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. જોકે વર્તમાન નાણાં વર્ષ માટેના ફુગાવાના અંદાજમાં વધારો કરવાની ફરજ પડી છે, જ્યારે આર્થિક વિકાસ દરની ધારણાં જાળવી રાખવામાં આવી છે. રેપો રેટ જાળવી રાખવાના નિર્ણયને પગલે હોમ તથા ઓટો લોન સહિતના દરોમાં વધારો નહીં થાય તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. જોકે મંગળવારથી અહીં શરૂ થયેલી એમ.પી.સી.ની બેઠકનાં અંતે સતત ત્રીજી વખત રેપો રેટ 6.50 ટકા જાળવી રાખવાનો નિર્ણય લેવાયો હતો. વર્તમાન નાણાં વર્ષ માટે ફુગાવાનો અંદાજ જે અગાઉ 5.10 ટકા મુકાયો હતો તે વધારી ૫.૪૦ ટકા કરાયો છે.



ફુગાવાને નિયંત્રણમાં લાવવાની કામગીરી હજુ પૂરી થઈ નથી એમ રિઝર્વ બેન્ક દ્વારા જણાવાયું હતું. વૈશ્વિક સ્તરે ખાધા ખોરાકીના ઊંચા ભાવ, ભૌગોલિક રાજકીય તાણ તથા હવામાનને લગતી અનિશ્ચિતતાને જોતા ફુગાવાજન્ય જોખમો હજુ પણ જળવાઈ રહ્યા છે, એમ રિઝર્વ બેન્કના ગવર્નર દાસે બેઠક બાદ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષના જુલાઈથી સપ્ટેમ્બરના ગાળામાં ફુગાવો અગાઉની 5.20 ટકાની ધારણાં કરતા જોરદાર વધી 6.20 ટકા આવવાનો અંદાજ છે. જોકે 2023ના ચોથા ત્રિમાસિકમાં ખાધા ખોરાકીના ભાવ નીચે આવશે તેવી પણ અપેક્ષા વ્યકત કરવામાં આવી હતી. ખાધા ખોરાકીના ભાવ ફુગાવાને ઊંચા લઈ જશે તો નાણાં નીતિને સખત બનાવવાના પણ ગવર્નર શક્તિકાંત દાસે સંકેત આપ્યા હતા.



એકોમોડેટિવ પોલિસી પાછી ખેંચવાના વલણને જાળવી રાખવાનો રિઝર્વ બેન્કે નિર્ણય લીધો છે. પરંતુ જો ફુગાવો ઘટીને ચાર ટકાના ટાર્ગેટ પર નહીં આવે તો તાત્કાલિક પગલાંના ગવર્નરે સંકેત આપ્યા હતા. ગયા નાણાં વર્ષમાં કુલ 2.50 ટકા વધારો કર્યા બાદ રિઝર્વ બેન્કે છેલ્લી ત્રણ બેઠકમાં રેપો રેટ યથાવત રાખવા નિર્ણય કર્યો છે. ફુગાવાને નીચે લાવવા વ્યાજ દર વધારવાની ફરજ પડી હતી, પરંતુ શાકભાજીનાં ઊંચા ભાવે રિઝર્વ બેન્કના ફુગાવાના ગણિતને બગાડી નાખ્યું છે. મે’માં ઘટી 4.30 ટકા થયા બાદ જુનથી ફુગાવો ફરી વધવા લાગ્યો છે.



અલ નિનોની શકય અસર પર ખાસ નજર રાખવાની રહેશે. શાકભાજીની ક્રોપિંગ સાયકલને ધ્યાનમાં રાખતા આગામી કેટલાક મહિનામાં પૂરવઠામાં વધારા સાથે ભાવ ફરી સામાન્ય થતાં જોવા મળશે. વર્તમાન નાણાં વર્ષ માટેના આર્થિક વિકાસ દરના 6.50 ટકાનાં પોતાના અંદાજને રિઝર્વ બેન્કે જાળવી રાખ્યો છે. માંગની એકંદર સ્થિતિ મજબૂત હોવાનું પણ ગવર્નરે જણાવ્યું હતું. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીનો આંક 8 ટકા, બીજા ત્રિમાસિક ગાળામાં 6.50 ટકા, ત્રીજા ત્રિમાસિકમાં 6 ટકા તથા ચોથા ત્રિમાસિકમાં 5.70 ટકા અંદાજવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application