રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલા દ્વારા મોરબીના પ્રવાસ દરમ્યાન તેઓએ રવાપર ચોકડી ખાતે મધ્યસ્થ કાર્યાલયનુંઉદ્ઘાટન કર્યું હતું, બાદમાં રોડ શો અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મંચ પરથી પુરુષોતમરૂપાલાએ જય શિવાજી, જય ભવાનીના નારા લગાવી ક્ષત્રિય સમાજને ભાજપ સાથે જોડાવવા ફરી એકવાર અપીલ કરી હતી. આ સાથે રાષ્ટ્રનાં કામમાં જોડાવા અને મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ક્ષત્રિય સમાજને આહ્વાન પણ કર્યું હતું.
પુરુષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ કરેલી ટિપ્પણીનો વિવાદ હજુ શમ્યો નથી અને ક્ષત્રિય યુવાનો સતત વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે સભામાં મંચ પરથી પુરુષોતમરૂપાલાએ ‘જય શિવાજી, જય ભવાની’ના નારા લગાવ્યા હતા. ક્ષત્રિય સમાજ મંચ પર બેસી સાથે રહેવાની વાત કરી હતી. ત્યારે ક્ષત્રિય સમાજને અપીલ કરતા જણાવ્યું હતું કે મોદીના હાથ મજબૂત બનાવો નરેન્દ્રમોદીનું આ પ્રકારનું શાસન ચાલતું હોય ત્યારે નાની-મોટી વાતને દરગુજર કરી ક્ષત્રિયો પણ સાથે જોડાય તેવી વિનમ્ર અપીલ કરી હતી.પુરુષોતમરૂપાલાનો રોડ શો મોરબીનારવાપર રોડ પર હનુમાન ચાલીસા કથા ગ્રાઉન્ડથી શરૂ કરવામાં આવ્યો હતો.
જે રવાપર ગામે બહુચરાજીમાતાજી મંદિર સામે પૂર્ણ કરવામાં આવ્યો હતો, જ્યાં સભા યોજાઈ હતી. જે સભામાં ભાજપ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. પુરુષોતમરૂપાલાએ સભા સંબોધન કરતા કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને વડાપ્રધાનના ઉમેદવાર કોણ છે તે કોઈને ખબર નથી તેવો કટાક્ષ કર્યો હતો. રાજકોટ બેઠક પર 100 ટકા મતદાન થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ઉદ્યોગકારો પાસે મોટો પરિવાર છે અને તે પોતાના મતદારની સૂચી બનાવે અને મતદાન કરવા અપીલ કરે સાથે જ તેઓએ પોતાના સંબોધનમાં ભાજપ સરકારની યોજનાઓ વર્ણવી હતી અને શિક્ષણની પ્રગતિ વિશે વાત કરી હતી.
વધુમાં તેઓએ મોરબીના વિકાસની વાતો કરી, ઉદ્યોગના વિકાસની વાત કરી શ્યામજી કૃષ્ણ વર્માના જીવનની યશગાથા, સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાતો કરી હતી. રામમંદિરના નિર્માણનું કાર્ય મોદી સરકારે કર્યું તેમ જણાવ્યું હતું. મોરબી ખાતે ભાજપની સભામાં પુરુષોતમરૂપાલાની સાથે રાજ્યસભાના સાંસદ કેસરી દેવસિંહ ઝાલા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, રાજકોટ સાંસદ મોહન કુંડારિયા, ટંકારાપડધરીના ધારાસભ્ય દુર્લભ દેથરિયા તેમજ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમિયાન, રાજ્યસભાના સાંસદે મોદી સરકારની વિવિધ યોજનાઓ અને વિવિધ લાભ અંગે વાત કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્રમોદીને ફરી પીએમ બનાવવા માટે આહ્વાન પણ કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500