ગુજરાતનાં વિવિધ ભાગો છેલ્લા ઘણાં દિવસોથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે નવસારીમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યારે મોટાભાગની નદીઓ તોફાની બની છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યારે નવસારીથી ગણદેવીને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરાયો હતો. નવસારીમાં ભારે વરસાદને લઈને પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. આ ઉપરાંત અડદા ગામમાં પાંચ લોકો ફસાઈ જતા ફાયર વિભાગ દ્વારા તેમનું રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
જ્યારે નદીઓની જળ સપાટીમાં વધારો થતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પૂર્ણા નદીની જળસપાટી ભયજનક કરતા ઉપર જતા પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યાં હતા. ઘરો અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. જ્યારે નવસારીના ભેંસદ ખાડા વિસ્તારના ઘરોમાં પાણી ભરાતા 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં હતા. ભારે વરસાદના કારણે પૂર્ણા નદીનું જળસ્તર વધતાં નવસારી ગ્રામ્યમાંથી પસાર થતા સુપા તરફના પુલને બંધ કરતા બસોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત નવસારી જિલ્લામાં કુલ 74 રસ્તાઓ પાણીમાં ગરક થઈ જતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે. જ્યારે 4 સ્ટેટ હાઇવે પર વાહન વ્યવહાર બંધ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500