Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સુરત દ્વારા મિલેટ્સના ફાયદાઓ અંગે જનજાગૃત્તિ કાર્યક્રમ યોજાયો

  • March 18, 2023 

યુનો દ્વારા વર્ષ-૨૦૨૩ને 'ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરત, મુખ્ય જુવાર સંશોધન કેન્દ્ર-સુરત અને નાબાર્ડના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ઘોડદોડ રોડ પર આવેલા અસ્પી શકીલમ બાયોટેકનોલોજી હોલ ખાતે મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર, સુરતના સંશોધન વૈજ્ઞાનિક ડૉ.એમ.સી.પટેલના અધ્યક્ષસ્થાને મિલેટ્સના ફાયદાઓ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં મિલેટ્સનો પરિચય, ભોજનમાં ઉપયોગિતા, તેમાંથી બનતી વાનગીઓ, વ્યાજબી ભાવે મેળવવાના સ્થળો, સ્વાસ્થ્ય જાળવવામાં મહત્વ જેવા વિષયો પર તજજ્ઞોએ ઉપસ્થિત ૧૧૧ જેટલા નાગરિકો-કિસાનોએ માર્ગદર્શન આપ્યું હતું.






મિલેટ્સ પાકોના સ્વાસ્થ્યવર્ધક મહત્વ બાબતે લોકજાગૃતિ આવે અને વધુમાં વધુ વાવેતર અને વપરાશ થાય તેમજ ખેડૂતોની આવકમાં વધારો થાય તેવા આશયથી આયોજિત આ કાર્યક્રમમાં હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર-વઘઈના સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડૉ.હર્ષલ પાટીલે નાગલી, જુવાર, કોદરા, સામો, કાંગ, વગેરે મુખ્ય હલકા ધાન્ય પાકોની વિસ્તૃત માહિતી આપી તેની નવી સુધારેલ જાતો અને વિવિધ આડપેદાશો વિશે માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય જુવાર સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડૉ.બી.કે.દાવડાએ હલકા ધાન્યમાં ગણાતી જુવારની ખેતીના ફાયદા જણાવ્યા હતા.






કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન) પ્રો.ગીતા જે.ભીમાણીએ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનથી હલકા ધાન્યની વિવિધ ગુણવત્તાસભર વાનગીઓની રસપ્રદ સમજ આપી હતી. આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.જી.ગામીત, તથા નાયબ બાગાયત નિયામક ડી.કે.પડાલિયાએ ઉદ્દબોધન કરી શ્રીઅન્નની ખેતી ઉપર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના સહસંચાલક નાબાર્ડ-સુરતના પ્રોજેક્ટ મેનેજર કુંતલબેન સુરતીએ યોજનાકીય વિગતો આપી હતી.






કાર્યક્રમ સ્થળે વિવિધ ખેડૂતોની ખેતપેદાશોના પ્રદર્શન સ્ટોલ પણ ઉભા કરાયા હતા. આ વેળાએ ઉપસ્થિત સૌએ મિલેટ આધારિત દેશીભોજનનો આસ્વાદ માણ્યો હતો. લાભાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રારંભે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-સુરતના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.જે.એચ.રાઠોડે મહાનુભાવોનું સ્વાગત કરી મિલેટસની ઉપયોગિતા પર તલસ્પર્શી સમજ આપીને તેમણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને શહેરીજનો ખેડૂતોની ગુણવત્તાસભર ખેતપેદાશ વ્યાજબી ભાવે ખરીદી શકે તેવા કડીરૂપ આ કાર્યક્રમની વિગતો આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application