Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગર્વની વાત : અમેરિકન તબીબો ન કરી શક્યા એ સુરતના તબીબે કરી બતાવ્યું

  • September 09, 2021 

અમેરિકાના ન્યુજર્સીની ૩૭ વર્ષીય મહિલાને પેશાબના બ્લોકેજની ૧૨ વર્ષ જૂની બિમારી હતી. સામાન્ય વ્યક્તિની જેમ મૂત્રસ્ત્રાવ ન કરી શકતી આ મહિલાને કાયમી કેથેટર મૂકવું પડ્યું હતું અનેક પ્રકારની દવા અને સારવાર લીધા બાદ કોઈ ફરક ન પડતાં હિંમત હારી ગયેલી આ મહિલાને સુરતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત યુરોલોજિસ્ટ ડો.સુબોધ કાંબલેની સારવાર અંગે જાણવા મળ્યું. બિમારીમાંથી મુક્તિની આશા સાથે તેઓ પતિ સાથે તેમની સારવાર માટે સુરત આવ્યાં અને આ મહિલાની આશા પર ખરા ઉતરતા ડો.કાંબલેએ ભારતની સૌપ્રથમ અસામાન્ય પ્રક્રિયા દ્વારા મૂત્રાશયના ગેગ લેયરને સફળતાપૂર્વક બદલીને નવી જિંદગીની ભેટ આપી છે. ગુજરાતમાં આ પ્રકારની સૌ પ્રથમવાર ઇન્ટ્રા-સ્ફિન્ટેરિક બોટ્યુલિનમ ટોક્સિનની જટિલ ગણાતી સફળ સર્જરી કરીને અમેરિકન તબીબો ન કરી શક્યા એ સુરતના તબીબ ડો. કાંબલેએ કરી બતાવ્યું છે.

 

 

 

 

 

 

કોરોનાકાળમાં હવાઈ મુસાફરી પર કડક નિયંત્રણો હોવાં છતાં પેશાબ બ્લોકેજની ગંભીર બિમારીમાંથી છૂટકારો મેળવવા આ એન.આર.આઈ. મહિલા શ્રીમતી પટેલ તેમના બે નાના બાળકોને પરિવારજનો પાસે છોડીને ભારત આવ્યાં. સારવાર પહેલાં તેમણે ફોન પર ચર્ચા કરીને ડો.કાંબલેનું કન્સલ્ટન્ટેશન મેળવ્યું હતું. તેઓએ અમેરિકાના ઘણાં હોનહાર ડોક્ટરો પાસેથી સારવાર મેળવ્યા બાદ પણ તેમને નિરાશા જ મળી હતી.

 

 

 

 

 

 

શ્રીમતી દિશા પટેલ (નામ બદલ્યું છે) નો કેસ અત્યંત જટિલ અને પડકારજનક હોવા છતાં ડો.સુબોધ કાંબલેએ તેમને સ્વસ્થ કરવાં મક્કમ હતા. ડો.સુબોધ જણાવે છે કે, દિશાબેનનું મૂત્રાશય નિષ્ક્રિય થઈ ચૂક્યું હતું. મૂત્રાશય અને યુરીન વાલ્વ વચ્ચેનું કુદરતી સંતુલન ખોરવાયું હતું. જેથી વાલ્વ પેશાબને બહાર આવવા દેતું ન હતું. તેમને ૨૦ મિનિટે પેશાબ માટે કેથેટરનો ઉપયોગ કરવો પડતો હતો. દિશા પટેલ સાથે બે કલાક લાંબી પ્રારંભિક ચર્ચા અને નિદાન કર્યા બાદ સારવાર માટેની વ્યૂહાત્મક યોજના તૈયાર કરી. પટેલ દંપતિને મારા પર પૂરો વિશ્વાસ હોવાથી સારવાર અને સર્જરી અંગેના તમામ વિકલ્પો સ્વીકાર્યા અને તમામ સારવાર પૂર્ણ કરવા તેઓ ત્રણ મહિના સુધી ભારતમાં રહ્યા. કુલ બે સર્જરી દ્વારા વાલ્વ અને મૂત્રાશય વચ્ચે તૂટેલા સંતુલનને પૂર્વવત કરવામાં સફળતા મળી છે.

 

 

 

 

 

 

સર્જરીમાં પડકારો સાથે જોખમો ઘણા હતા, પરંતુ ડો.કાંબલેનો મુખ્ય ઉદ્દેશ દર્દીને કાયમી કેથેટર (મૂત્રનલિકા)માંથી મુક્તિ આપવાનો હતો, સાથે દર ૨૦ મિનિટે પેશાબ કરવામાંથી અને દર ૨૦ મિનિટે કેથેટર મૂકવાથી રાહત આપવાનો પણ હતો. ડો.કાંબલેએ તેમને આશ્વાસન આપ્યું કે અમેરિકાના ડોકટરો દ્વારા સૂચવ્યા મુજબ મૂત્રાશયને મોટું કરવાં (મૂત્રાશયમાં આંતરડાના ભાગને અડધા ભાગમાં મૂકીને) જેવી મોટી સર્જરીની જરૂર નથી. જો કોઈ છેલ્લો ઉપાય ન રહે તો જ મૂત્રાશયને મોટું કરવાંની સર્જરી કરવી જોઈએ. કારણ કે એક વાર સર્જરી થઈ ગયાં પછી તેમાં સુધારો ન થઈ શકે અને નિષ્ફળ સર્જરી આજીવન જોખમી બની શકે છે.

 

 

 

 

 

 

ડો.સુબોધ વધુમાં જણાવે છે કે, અમેરિકામાં તેમના પર થયેલાં યુરોડાયનેમિક નિદાન અને અભ્યાસમાં પણ એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે જો મૂત્રાશય ઓવર એક્ટિવ થઈ જાય તો વારંવાર પેશાબ થાય અને શારીરિક સંતુલન બગડે છે. સંતુલન ન હોવાથી યુરિન અટકી જતાં ઘણાં પ્રકારના ઈન્ફેકશન થઈ શકે છે. દિશા પટેલને આ પ્રકારની જ સમસ્યા હતી. જેના કારણે દર ૨૦ મિનીટે શરીરમાં જાતે જ કેથેટર (સેલ્ફ કેથેટરાઈઝેશન) નાંખવું પડે તેમજ કેથેટર વિના પેશાબ કરી ન શકે એવી તેમની સ્થિતિ થઈ ગઈ હતી. તેમને યુરિનરી ઇન્ફેકશન પણ થયાં હતાં. આ જ કારણે અમેરિકન ડોકટરોએ તેમને કાયમી કેથેટર મૂક્યું હતું. દિશાબેન આ બિમારીથી એટલી હદે ત્રસ્ત હતાં કે તેમણે મને ઓ.પી.ડી.માં આવતાં જ બીજા દિવસે સર્જરી કરી દેવાની વિનંતી કરી હતી. મારૂ લક્ષ્ય એ હતું કે સૌપ્રથમ તેમની પેશાબ વધુ સમય રોકી શકાય અને કેથેટરના ઉપયોગને લંબાવી શકાય એની સર્જરી કરવી અને આ પીડામાંથી મુક્તિ આપવી જ્યારે આ પછી બીજી સર્જરી કરીને કેથેટરનો ઉપયોગ સંપૂર્ણ દૂર થાય અને સામાન્ય વ્યક્તિની માફક મૂત્રત્યાગ કરી શકે એ હતું. આ મુજબ પહેલી સર્જરી કર્યા બાદ પેશાબને ચાર કલાક સુધી રોકી શક્યા અને રાતના ઉજાગરાથી મુક્તિ મળી. જ્યારે બીજી સર્જરીથી 'કેથેટર ફ્રી' નવી જિંદગી મળી છે.

 

 

 

 

 

ડો.કાંબલેએ કહ્યું કે, દર્દીના મૂત્રાશય અને સ્ફિન્ક્ટર (વાલ્વ) વચ્ચે કુદરતી સંકલનના અભાવે તે પોતાનો પેશાબ પસાર કરી શકતી ન હતી. પ્રથમ સર્જરી બાદ દર ચાર કલાકે સેલ્ફ કેથેટેરાઇઝેશન થતાં તબિયતમાં ઘણો સુધારો થયો. જેના એક મહિના બાદ બીજી સફળ સર્જરી કરીને કેથેટર મૂકવાથી જ છૂટકારો આપ્યો છે. સંભવતઃ ભારતમાં સૌ પ્રથમવાર GAG લેયર બદલવાની આ પ્રકારની સફળ અને નવીનત્તમ પ્રક્રિયા છે. ગેગ લેયર મૂત્રાશયની દીવાલમાં હોય છે. જેને વારંવાર નુકસાન પહોંચે તો શરીરને અસાધ્ય ચેપ લાગી શકે છે. ઈન્ટ્રાવેસિકલ એટલે કે મૂત્રાશયની અંદરની સારવાર શરૂ કરીને આ તેમને થયેલાં બેક્ટેરિયાના ચેપને અટકાવવામાં મને સફળતા મળી છે.

 

 

 

 

 

દિશા પટેલના પતિએ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, અમે અમેરિકાના ઘણાં ખ્યાતનામ ક્લિનિકમાં નિષ્ણાત તબીબોની સારવાર મેળવી, પૈસા ખર્ચવા છતાં નિરાશા જ હાથ લાગી હતી. મેં મારી પત્નીના સામાન્ય જીવન જીવવાની આશા છોડી દીધી હતી. એવામાં ડો.સુબોધ કાંબલે અને આ દર્દમાં તેમની સારવાર અંગે સાંભળ્યું, એટલે પત્નીના નવા જીવનની આશા સાથે સુરત આવ્યાં. તેમની બે સફળ સર્જરીના કારણે અમને મળેલા સુખદ નિરાકરણથી અમે અત્યંત ખુશ છીએ'.

 

 

 

 

 

આખરે ત્રણ મહિનાની સઘન સારવાર બાદ દિશા પટેલ ખુશખુશાલ થઈને યુએસએ પરત ફર્યા અને તેની પેશાબ બ્લોકેજની બિમારી સંપૂર્ણપણે ઉકેલાઈ ગઈ કાયમી કેથેટરથી મુક્ત થયાં. સુરતી તબીબની સારવાર કારગર નીવડતા 'ક્વોલિટી ઓફ લાઈફ' તેમને પાછી મળી. તેઓને એવી જ નોર્મલ જિંદગીની ભેટ મળી જે ૧૨ વર્ષ પહેલાં જીવી રહ્યાં હતાં.

 

બીમારીને લગતી વધુ વિગતો માટે ડો.સુબોધ કાંબલે મો.૯૫૧૨૬ ૬૬૨૩૪ ઉપર સંપર્ક કરી શકાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application