મહારાષ્ટ્રનાં કોલ્હાપુર જિલ્લાના એક ગામમાં સમાજ સુધારક રાજા રાજર્ષિ છત્રપતિ સાહુ મહારાજની 100મી પુણ્યતિથિના અવસરે તેના તમામ રહેવાસીઓએ પતિના મૃત્યુ બાદ મહિલા દ્વારા તે વિધવા છે તેવું દર્શાવવા માટે પાળવામાં આવતી પ્રથાઓ પર પ્રતિબંધ મુકવાનું નક્કી કર્યું છે. કોલ્હાપુર જિલ્લાના શિરોલ તાલુકાના હેરવાડ ગામની ગ્રામ પંચાયતના સરપંચ સુરગોંડા પાટીલે જણાવ્યું હતું કે, તા.4 મેના રોજ મહિલાઓએ પતિના મૃત્યુ બાદ બંગડી તોડવા, માથા પરથી સિંદુર ભૂંસી નાખવા અને વિધવાનું મંગળસૂત્ર ઉતારવાની પ્રથા પર પ્રતિબંધ મુકવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું કે, સોલાપુરના કરમાલા તાલુકામાં મહાત્મા ફુલે સમાજ સેવા મંડળના સ્થાપક પ્રમુખ પ્રમોદ ઝિંજાદેએ પહેલ કરી અને આ અપમાનજનક પ્રથા પર પ્રતિબંધ મુકવા માટે એક જોરદાર ઠરાવ પસાર કરવા માટે પ્રોત્સાહન આપ્યું. પાટીલે જણાવ્યું કે, અમને આ ઠરાવ પર ખૂબ જ ગર્વ થઈ રહ્યો છે કારણ કે, એનાથી હેરવાડની અન્ય પંચાયતો માટે એક ઉદાહરણ ઊભુ થયું છે, વિશેષ કરીને એવા સમયે જ્યારે અમે સાહુ મહારાજની 100મી પુણ્યતિથિ મનાવી રહ્યા છીએ.
જેણે મહિલાઓના ઉદ્ધાર માટે કામ કર્યું છે. જિંજાદેએ જણાવ્યું કે, કોવિડની પ્રથમ લહેરમાં અમારા એક સહયોગીને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ થયું હતું. તેમના અંતિમ સંસ્કાર દરમ્યાન અમે જોયું કે, તેમની પત્નીને બંગડી તોડવા, મંગળસુત્ર હટાવવા અને સિંદુર ભૂંસવા માટે મજબૂર કરવામાં આવી રહી હતી એનાથી આ મહિલાના દુઃખમાં વધારો થયો હતો. આ દ્રશ્ય હૃદયદ્રાવક હતું.
જિંજાદેએ વધુમાં જણાવ્યું કે, આ કુરિવાજ રોકવાનો નિર્ણય કરતા તેમણે એના વિશે એક પોસ્ટ લખીને ગામના નેતાઓ અને પંચાયતોનો સંપર્ક કર્યો અને કેટલીક વિધવાઓની આ બાબતે પ્રતિક્રિયા લીધી. જિંજાદેએ જણાવ્યું કે, એક ઉદાહરણ સ્થાપિત કરવા માટે મે સ્ટેમ્પ પેપર પર જાહેરાત કરી કે, મારા મૃત્યુ બાદ મારી પત્નીને આ રિવાજ માટે મજબૂર ન કરવામાં આવે. સેંકડો પુરુષોએ મારી આ જાહેરાતનું સમર્થન કર્યું.
ત્યારે હેરવાડ ગામ પંચાયત મારી પાસે આવી અને કહ્યું કે, તેઓ આ બાબતે એક ઠરાવ પસાર કરશે. મહિલા સ્વયં સહાયતા સમૂહ સાથે સક્રિય અંજલિ પેલવાનના મતે વિધવા હોવા છતાં તે સમાજમાં દાગીના પહેરીને ફરે છે. તેમણે જણાવ્યું કે મંત્રી રાજેન્દ્ર યદ્રાકરને વિધવાઓની સહીવાળું એક નિવેદન સોંપવામાં આવ્યું છે જેમાં આ રિવાજ પર પ્રતિબંધ મુકવા માટે કાનૂન બનાવવાની માગણી કરાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500