Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અલ્ટ્રા હાઈ-ડેન્સીટી પ્લાન્ટેશન સ્ટ્રક્ચર પદ્ધતિ તથા પ્રાકૃતિક ખેતી દ્વરા મબલક કેરીનું ઉત્પાદન

  • May 23, 2023 

ગુજરાતમાં ઘણા ખેડૂતો રાસાયણીક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક ખેતી કરતાં લોકોને પ્રોત્સાહન આપી રહી છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનાં ખેડૂત કમલેશભાઈ દેસાઈએ સફળ પ્રાકૃતિક ખેતી સાથે અલ્ટ્રા હાઈ-ડેન્સીટી પ્લાન્ટેશન સ્ટ્રક્ચરની ખેતી અપનાવી અન્ય ખેડૂતો માટે એક દાખલો ઉભો કર્યો છે. એક તરફ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ ના કારણે કેરી પકવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે બીજી તરફ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના આંબા પર મબલખ પાક ઝૂલી રહ્યો છે. વાંસદા તાલુકાનાં ચાપલધરા ગામના રહેવાસી અને રીટાયર્ડ LIC ઓફિસર એવા કમલેશભાઈ દેસાઈ, જેઓએ અલ્ટ્રા હાઈ-ડેન્સીટી પ્લાન્ટેશન સ્ટ્રક્ચર સાથે પ્રાકૃતિક ખેતી અપનાવીને ૮ વીઘા જમીનમાં પ્રાકૃતિક કેરીનું મબલખ ઉત્પાદન મેળવ્યું છે.






પોતાની વાડીમાં  કેસર, તોતાપુરી, દશેરી, લંગડો, આમ્રપાલી, રાજાપૂરી જેવી વિવિધ પ્રકારની કેરીનું ઉત્પાદન લે છે, અને ગુણવત્તાયુક્ત કેરીની ખેતીમાં પ્રાકૃતિક આધારિત જવારણનો ઉપયોગ કરીને આવકમાં વૃદ્ધિ કરી છે. પ્રાકૃતિક ખેતી અંગેની પ્રેરણા અને અનુભવો અંગે વાત કરતા કમલેશભાઈ કહે છે કે,  LIC માંથી રીટાયર્ડ થયા બાદ મે કૃષિના ક્ષેત્રેમાં શોખ હોવાથી અમારી ૮ વીઘા જમીન પર ખેતી કરવાનું શરુ કર્યું હતું. પહેલાથી જ નિર્ધાર હતો કે ખેતી તો પ્રાકૃતિક ઠબે જ કરવી છે. અલ્ટ્રા હાઈ-ડેન્સીટી પ્લાન્ટેશન સ્ટ્રક્ચર તથા પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા આંબાના પાકમાં કેરીનું મબલખ ઉત્પાદન કરી શકાય તે અંગે પ્રકાશ પાડતા તેઓ કહે છે કે, મેં ૮ વીઘા જમીનમાં ૭.૫ ફૂટ બાય ૧૫ ફૂટ પર એક આંબા કલમની રોપણી કરી  જેથી સમાન્ય રીતે એક વીઘામાં જેટલી કલમો રોપાય છે એના કરતા બમણી કલમો રોપાઈ.






પ્રાકૃતિક તત્વો તથા ખાટી છાશમાંથી બનાવવામાં આવતા પ્રાકૃતિક જવારણ વિશે વિગતો આપતા કહે છે કે, એક ડ્રમમાં વિવિધ કુદરતી તત્વો અને ફળોનો રસ લઈને તેમાં છાશ ભેળવીને આઠ મહિના સુધી રાખવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલા જવારણનો આંબામાં જ્યારે મોર બેસે ત્યારે છંટકાવ કરવામાં આવે છે, જેથી મધમાખી, પતંગીયા જેવા મિત્ર કિટકો આકર્ષાય છે. જેથી ફલાવરીંગનું કામ સરળ થાય છે અને ગુણવક્તાયુક્ત કેરી પ્રાપ્ત થાય છે. પ્રાકૃતિક કેરીના વેચાણ અંગે તેઓ કહે છે કે,  બજારમાં જે ભાવે સામન્ય કેરીનું વેચાણ થાય છે તેના કરતા બમણા ભાવે વેપારી અમારી પાસેથી પ્રાકૃતિક કેરી લઈ જાય છે.






કોઈ પણ પ્રકારના ઝેરી પેસ્ટીસાઈડસનો ઉપયોગ કર્યા વિના પ્રાકૃતિક આધારિત કેરીના વેચાણથી મારી આવકમાં ઘણી વૃદ્ધિ થયેલ છે. વધુમાં કમલેશભાઈ જણાવે છે કે, આ વર્ષ કમોસમી વરસાદ કારણે આજુબાજુની વાડીઓની સરખામણી મારી વાડીના આંબાના પાકમાં ઓછુ નુકસાન થયું છે તેનો શ્રેય પ્રાકૃતિક ખેતીને આપે છે. કમલેશભાઈ અન્ય ખેડૂતોને અપીલ કરતા જણાવે છે કે, અલ્ટ્રા હાઈ-ડેન્સીટી પ્લાન્ટેશન સ્ટ્રક્ચર સાથે પ્રાકૃતિક ખેતી મારા માટે આશિર્વાદ સમાન બની છે. ઉત્પાદન વધતાની સાથે આવકમાં પણ વધારો થયો છે. તેમણે અપનાવેલી આ નવતર પદ્ધતિ અન્ય ખેડૂતો પણ અપનાવી આવકમાં વધારો કરી શકે છે.






આજના આધુનિક યુગમાં રસાયણમુક્ત ખોરાક માટે પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે. આજની ઝડપી જીવનશૈલીમાં લોકો ખાનપાનની બાબતે જાગૃત થઈ રહ્યા છે, ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને રાસાયણિક કૃષિના દુષ્પરિણામથી મુક્તિ મેળવવા માટે મોટી સંખ્યામાં જાગૃત્ત થઈ રહ્યાં છે, ત્યારે નવસારી  જિલ્લાના વાંસદા તાલુકાના ચાપલધર ગામના સાહસિક ખેડૂતે નવતર અલ્ટ્રા હાઈ-ડેન્સીટી પ્લાન્ટેશન સ્ટ્રક્ચર સાથે પ્રાકૃતિક ખેતી અપનાવીને પ્રકૃતિ તરફ પ્રયાણ કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application