અમદાવાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા બોડકદેવમાં આવેલી વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઇડ હોસ્પિટલમાં લિંગ પરીક્ષણ થતું હોવાની શંકાના આધારે રેઇડ પાડવામાં આવી હતી. જેમાં તબીબ દંપતિ ડૉ.નિકુંજ શાહ અને ડૉ.મીનાક્ષી શાહે ગર્ભ પરિક્ષણ કરતાં હોવાનું કબૂલતાં સોનોગ્રાફી મશીનો સીલ કરીને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.
જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરીના જણાવ્યા મુજબ, તબીબ દંપતિ ડૉ. નિકુંજ શાહ અને ડૉ. મીનાક્ષી શાહ છેલ્લા ઘણા સમયથી ગાયનેકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. ડૉ. નિકુંજ તથા ડૉ. મીનાક્ષી બોડકદેવ વિસ્તાર તથા સોલા રોડ પર પોતાના પ્રાઇવેટ ક્લિનિક પણ ધરાવે છે.
આધારભૂત સૂત્રો તરફ્થી માહિતી મળી હતી કે આ તબીબ દંપતિ રૂપિયા 25000માં પેશન્ટને લિંગ આધારિત ગર્ભ પરીક્ષણ કરી આપે છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શૈલેષ પરમાર તથા તેમની ટીમ દ્વારા બોડકદેવની વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તથા સોલા રોડ પર આવેલી મધર્સ પ્રાઈડ હોસ્પિટલમાં જઈને રેઇડ પાડવામાં આવી હતી. જ્યાં ડૉ. નિકુંજ શાહ તથા ડૉ. મીનાક્ષીએ પોતાનો ગુનો સ્વીકાર્યો હતો કે તેઓ પેશન્ટને ગર્ભ પરીક્ષણ કરી આપતા હતા. આ કાર્યવાહી બાદ જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા ઉપરોક્ત બંને હોસ્પિટલમાં પંચનામું કર્યા બાદ બંને હોસ્પિટલોમાંથી એક-એક સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ પણ કબજે કરવામાં આવ્યા છે. ઉપરોક્ત કાર્યવાહી બાદ આ દંપત્તિ ઉપર ફેજદારી કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ છે. PC -PNDT એક્ટ અંતર્ગત ગર્ભ પરીક્ષણ કરવું ગેરકાનૂની છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500