રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે જેલમાં લાંબા સમયથી સજા ભોગવતાં કેદીઓની વર્તણુક અંગે બેઠક યોજી સજામાંથી મુક્તિ આપવા અંગે ચર્ચા કરવામાં આવતી હોય છે જે બેઠક અગાઉ રાજકોટ જિલ્લા જેલમાં કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં અમરેલીની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતાં બે કેદીઓ માટે પોઝિટિવ અભિપ્રાય આપી તે બંનેને જેલમુક્ત કરવા દરખાસ્ત કરી હતી જે રાજ્ય સરકારે સ્વીકારી હતી.
સરકારના હુકમથી અમરેલીની હત્યાના કેસમાં અઢાર વર્ષથી આજીવન કેદની પાકા કામના કેદી તરીકે સજા કાપતા બે ભાઈઓ મંગો ઉર્ફે મગનભાઈ દેવશીભાઇ મકવાણા અને જગો ઉર્ફે જગદીશભાઈ દેવશીભાઇ મકવાણાને સજા માફિનો લાભ મળતા જેલ મુક્ત કરવામાં આવ્યા હતા. આ તકે તેમને પુસ્તકો ભેટરૂપે આપી જીવનમાં સારા કાર્યો કરે અને સમાજને મદદરૂપ થાય તેવા કામો કરે તેવી સલાહ પણ આપવામાં આવી હતી.
જ્યારે બંને કેદીઓને જેલમાંથી મુક્ત કરવા અંગે જેલરે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પાકા કામના કેદી જગદીશ બારોટ અને મગન બારોટને તેમની સારી વર્તણુક બદલ મુક્ત કરવામાં આવ્યા છે. પાકા કામના કેદીઓ 14 વર્ષની સજા પૂર્ણ કરે ત્યારે કલેક્ટરનાં અધ્યક્ષસ્થાને તેમની સમીક્ષા થતી હોય છે. જેના આધારે રાજ્યના જેલ વડાનાં પ્રયત્નો અને રાજ્ય સરકારની હકારાત્મક નીતિને કારણે આ બંને કેદીઓ જેલમુક્ત થયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500