વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દશેરાનાં દિવસે હિમાચલ પ્રદેશને એક બહુ મોટી ભેટ આપી છે. તેઓએ રૂપિયા ૧,૪૭૦ કરોડથી વધુ ખર્ચે બનેલી 'એઇમ્સ' (AiiMS)નું ઉદ્ધાટન કર્યું હતું તે સમયે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને ભાજપ પ્રમુખ જે. પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને આ ઉપરાંત ૧,૬૫૦ કરોડથી વધુ રકમની યોજનાઓની શિલારોપણ વિધિ પણ કરી હતી તેમાં ૧,૬૯૦ કરોડનાં રાષ્ટ્રીય રાજમાર્ગ, નાલાગઢમાં મેડીકલ ડિવાઇસ પાર્ક, અને બાંદવામાં હાઇડ્રો એન્જિનિયરિંગ કોલેજનું પણ ઉદ્ધાટન કર્યું હતું. આ ઉપરાંત કુલ્લુમાં આયોજિત વિશ્વ પ્રસિદ્ધ દશેરા યાત્રા અને દશેરા મેળામાં પણ ભાગ લીધો હતો.
બિલાસપુરમાં સ્થપાયેલી 'એઇમ્સ' હોસ્પિટલ ૨૪૭ એકરમાં ફેલાયેલી છે. તે વડાપ્રધાન સ્વાસ્થ્ય સુરક્ષા યોજના નીચે બનાવવામાં આવી છે. ૭૫૦ બેડની ક્ષમતાવાળી આ હોસ્પિટલમાં ૬૪ ICU બેડ પણ છે તેમાં ચોવીસે કલાક આપાતકાલીન સારવાર તથા આધુનિક ડાયગ્નોસ્ટિક મશીનો ઉપરાંત ડાયાલીસીસની સુવિધાઓ પણ છે. ઉપરાંત ૩૦ બેડવાળા આયુર્વેદિક 'આયુષ બ્લોક' પણ તેનો એક ભાગ છે જેમાં આયુર્વેદ, યોગ, નેચરોપથી, યુનાની, અને હોમિયોપેથી ઉપચાર પ્રણાલિ પણ છે.
રાજ્યનાં દુર્ગમ અને આદિવાસી ક્ષેત્ર સુધી આરોગ્ય સેવા પહોંચાડવા ડીજીટલ સ્વાસ્થ્ય કેન્દ્ર પણ બનાવાયું છે સાથે આરોગ્ય શિબિરો પણ આયોજિત કરવાની યોજના છે. બિલાસપુર એઇમ્સમાં દર વર્ષે નર્સિંગ પાઠયક્રમો માટે ૬૦ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ ઉપરાંત MBBS માટે ૧૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. એઇમ્સનું ઉદ્ધાટન કરવા સાથે હિમાચલ પ્રદેશને એકંદર ૩૬૦૦ કરોડથી પણ વધુ રકમની ભેટ આપવામાં આવી છે. એઇમ્સનું ઉદ્ધાટન કર્યાપછી એક જનસભાને સંબોધિત કરતા રાજ્ય અને કેન્દ્ર સરકારના કાર્યો વિષે માહિતી આપી હતી અને રાજ્યના વિકાસ માટે 'ડબલ એન્જિન સરકાર'ને ક્રેડિટ આપી હતી.
વડાપ્રધાને હિમાચલમાં વીતાવેલા પોતાના જૂના દિવસોને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, 'મેં તો અહીની રોટી ખાધી છે, તેથી અહીં જે કંઈ કરું તે ઓછું છે.' નિરીક્ષકો વડાપ્રધાનની હિમાચલની મુલાકાતને ચૂંટણી બ્યુગલ તરીકે જોઈ રહ્યા છે. આ મહિનાના અંતે અહીંની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવા સંભવ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના પ્રવચનમાં વધુમાં ઉમેર્યું હતું કે, હિમાચલ પ્રદેશ દેશમાં વીરોની વીરભૂમિ તરીકે ખ્યાતનામ છે. અહીંના વીરોએ દેશના રક્ષણ માટે પોતાના જીવન સમર્પિત કર્યા છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, અહીંની આબોહવા એટલી સ્વચ્છ અને સુંદર છે, વાતાવરણ પણ ખુશનુમા છે અહીંની જડીબુટ્ટીઓ સ્વાસ્થ્ય માટે અસરકારક છે તેથી આ પ્રદેશ 'મેડીકલ ટુરિઝમ' માટે પણ ઘણો અનુકૂળ બને તેવો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500