વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વહેલી સવારે અમેરિકાનાં પ્રવાસે રવાના થઈ ગયા છે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી ક્વાડ (Quad) સમિટમાં ભાગ લેશે. ઘણી દ્વિપક્ષીય બેઠકોની પણ શક્યતા છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘આજે હું અમેરિકન પ્રમુખ જો બાઈડેનનાં હોમટાઉન વિલમિંગટનમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેવા અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાવિ સમિટને સંબોધિત કરવા માટે ઉત્સુક છું. હું અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે જઈ રહ્યો છું. હું ક્વાડ સમિટમાં મારા સાથીદારો પ્રમુખ બાઈડેન, વડાપ્રધાન અલ્બેનીઝ અને વડાપ્રધાન કિશિદા સાથે જોડાવા માટે આતુર છું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં આઠમી વખત અમેરિકા ગયા છે અને હવે તેઓ તેમની નવમી મુલાકાતે છે. વિદેશ મંત્રાલય (MEA)એ મંગળવારે માહિતી આપી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21મીથી 23મી સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી 21મી સપ્ટેમ્બરે ડેલાવેરના વિલમિંગટનમાં આયોજિત ક્વોડ લીડર્સની ચોથી સમિટમાં ભાગ લેશે. આ કોન્ફરન્સનું આયોજન અમેરિકન પ્રમુખ જો બાઈડેન કરશે.
ક્વાડ (Quad)માં ચાર દેશો ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકાનો સમાવેશ થાય છે. પૂર્વ એશિયા અને ઓશનિયાના વરિષ્ઠ નિર્દેશક મીરા રેપ હૂપરે જણાવ્યું હતું કે, 'ક્વાડ કોન્ફરન્સ દરિયાઈ સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ક્વાડ દેશોના નેતાઓ બાંગ્લાદેશના વિકાસ અંગે પણ ચર્ચા કરી શકે છે. અમેરિકન પ્રમુખ જો બાઈડેન ક્વાડ નેતાઓ સાથે અલગ દ્વિપક્ષીય બેઠક પણ કરશે.’ ઉલ્લેખનીય છે કે, આ વખતે ક્વાડ સમિટની યજમાની કરવાનો વારો ભારતનો હતો. પરંતુ વોશિંગ્ટનના આગ્રહ પર ભારત આવતા વર્ષે કોન્ફરન્સનું આયોજન કરશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500