વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોર્ડની પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓને કેટલીક સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ મોબાઇલમાં સમય ના વેડફવો જોઇએ. સાથે મોદીએ દાવો કર્યો હતો કે, તેઓ માત્ર 30 સેકંડમાં જ ઉંઘી જાય છે. અને આવું કેમ કરી શકે તે પણ જણાવ્યું હતું. ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, તમે મોબાઇલમાં સોશિયલ મીડિયા પર એક બાદ એક રીલ્સ જોતા જ રહેશો તો સમય વેડફી નાખશો. તેનાથી તમારી ઉંઘ પણ ખરાબ જશે, પછી જે વાંચ્યું છે તે પણ યાદ નહીં રહે. તેથી ઉંઘને હળવાશમાં ના લેવી.
આધુનિક હેલ્થ સાઇન્સ પણ ઉંઘને બહુ જ મહત્વ આપે છે. જો તમે પુરતી ઉંઘ નહીં લો તો તેનાથી તમારુ સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોજન અંગે પણ વાત કરી હતી, તેમણે કહ્યું હતું કે, આહારમાં સંતુલન જાળવવું જોઇએ, ફિનટેસ માટે કસરત કરતી રહેવી જોઇએ. દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં ટાઉન હોલમાં લોકોને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, બાળકો પાસે જે મોબાઇલ હોય તેનો પાસવર્ડ ઘરના બધા લોકો પાસે હોવો જોઇએ તેનાથી પારદર્શીતા વધશે. જો બાળકો મોબાઇલનો ઉપયોગ કરતા શીખી ગયા હોય તો તેઓ પોતાના માતા પિતાને પણ તેના વિશે જાણકારી આપી શકે છે. ટેક્નોલોજીનો સારા હેતુથી ઉપયોગ કરતા શીખવું જોઇએ. સાથે જ ઘરમાં નો ગેઝેટ ઝોન પણ હોવો જોઇએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500