વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તારીખ 28 ઓક્ટોબર 2023 દિલ્હીમાં રાષ્ટ્રીય રોજગાર મેળા હેઠળ 51 હજાર યુવાનોને નિમણુંક પત્રોનું વિતરણ કર્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, 'હવે નોકરી મેળવવી સરળ થઈ ગઈ છે. આ મહિને રોજગાર મેળાની યાત્રા મહત્વના તબક્કામાં પહોંચી છે. અમે ગયા વર્ષે ઓક્ટોબરમાં આ મેળો શરૂ કર્યો હતો. ત્યારથી, ભાજપ શાસિત રાજ્યો સતત રોજગાર મેળાઓનું આયોજન કરે છે. અત્યાર સુધીમાં લાખો યુવાનોને સરકારી નોકરીઓ માટે નિમણુંક પત્ર આપવામાં આવ્યા છે. આજે પણ 50 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે. દિવાળીને આડે હજુ થોડો સમય બાકી છે, પરંતુ નિમણુંક પત્રો મેળવનારા 50 હજાર યુવાનોના પરિવારો માટે આ તક દિવાળીથી ઓછી નથી.
દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આયોજિત રોજગાર મેળાઓ યુવાનો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમારી સરકાર યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મિશન મોડમાં કામ કરી રહી છે. અમે માત્ર રોજગાર જ નથી આપી રહ્યા પરંતુ સમગ્ર વ્યવસ્થાને પારદર્શક પણ રાખી રહ્યા છીએ. ભારત જે દિશામાં આગળ વધી રહ્યું છે અને જે ઝડપે આગળ વધી રહ્યું છે, દરેક ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઊભી થઈ રહી છે. વડાપ્રધાનશ્રીએ કહ્યું કે, ગુજરાતના કચ્છ જિલ્લામાં પાકિસ્તાનની સરહદે આવેલા ધોરડો ગામને UN દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. અગાઉ કર્ણાટકના હોયસલા મંદિરો અને પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનને વર્લ્ડ હેરિટેજ સાઇટની માન્યતા મળી ચૂકી છે. તમે કલ્પના કરી શકો છો કે આનાથી અહીં પર્યટન અને અર્થતંત્રના વિસ્તરણની સંભાવના કેટલી વધી છે. યુવા શક્તિ જેટલી મજબૂત હશે તેટલો દેશનો વિકાસ થશે. આજે ભારત તેના યુવાનોને કૌશલ્ય અને શિક્ષણની નવી તકોનો લાભ લેવા માટે તૈયાર કરી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500