આજે તારીખ 12મી જાન્યુઆરી એટલે કે યુવાઓનાં આદર્શ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને દેશભરમાં તેમના જન્મદિવસે અનેક કાર્યક્રમ યોજાશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકનાં હુબલીમાં શરૂ થનારા રાષ્ટ્રીય યુવા ઉત્સવનું ઉદ્ધાટન કરશે. આ મહોત્સવ અંગે કેન્દ્રીય મંત્રી ઠાકુરે કહ્યું હતું કે, મહોત્સવમાં કેટલીય હરિફાઈઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા મહોત્સવ પાંચ દિવસ સુધી ચાલશે.
આ રાષ્ટ્રીય યુવા મહોત્સવની 26મી આવૃત્તિનું આયોજન કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કર્ણાટક સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરે પ્રતિભાશાળી યુવાનોને વધુ સારું પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે આ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ આ યુવા મહોત્સવ દેશના તમામ ભાગોમાંથી વિવિધ સંસ્કૃતિઓને એક મંચ પર લઈ આવે છે. આ બધાને એક ભારત, શ્રેષ્ઠ ભારતના સુત્રોમાં જોડે છે.
આ પાંચ દિવસીય ઉત્સવની થીમ 'વિકસિત યુવા-વિકસિત ભારત' છે. યુવા મહોત્સવના ઓપનિંગ સેરેમનીમાં 30,000થી વધુ યુવાનો ભાગ લઈ શકશે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈના જણાવ્યા પ્રમાણે દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના યુવા પ્રતિનિધિઓ તેમની પ્રતિભા સાબિત કરવા માટે યુવા મહોત્સવમાં ભાગ લેશે. આ તકે વધુમાં તેમણે કહ્યું કે, આ પાંચેય દિવસે સાંસ્કૃતિક અને રમતગમતની પ્રવૃત્તિઓ થશે.
આ પ્રથમ વખત છે જ્યારે ઉત્તર કર્ણાટક ક્ષેત્રમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, જોકે આ દરમિયાન વડાપ્રધાન મોદીનો કોઈ રોડ શો થશે નહીં. લોકોને એરપોર્ટથી સ્થળ સુધીના રસ્તાની બંને બાજુએ ઊભા રહેવાની છૂટ આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500