Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન મુદ્દે પુતિન સાથે વાત કરી, વૈશ્વિક શાંતિ માટે અન્ય દેશોના નેતાઓને સામેલ કર્યા

  • August 27, 2024 

યુક્રેન પ્રવાસ પરથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનો સાથે વાત કરી રહ્યા છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં. યુક્રેનની તાજેતરની મુલાકાત અને તે દરમિયાનના અનુભવો વિશે પુતિનને માહિતી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે, તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી છે. તેમજ રશિયા-યુક્રેન યુદ્ધ અને તેમની તાજેતરની યુક્રેન મુલાકાત વિશે વાત કરી હતી.


તેઓએ આ યુદ્ધને ઝડપથી, સ્થાયી ધોરણે અને શાંતિપૂર્ણ નિરાકરણને સમર્થન આપતાં બંધ કરવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. હાલમાં જ વડાપ્રધાન યુક્રેનની મુલાકાત લઈ આવ્યા હતા. જેમાં તેમણે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પૂર્ણ કરવા અને શાંતિનો માર્ગ અપનાવવા અપીલ કરી હતી. વધુમાં ઝેલેન્સ્કીને કહ્યું હતું કે, ભારત યુક્રેન શાંતિ વાર્તાનું નેતૃત્વ કરી શકે છે. તેના માટે તે તૈયાર છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22મી ભારત-રશિયા દ્વિપક્ષીય સમિટમાં ભાગ લેતાં ગતમહિને લીધેલ રશિયાની સફળ મુલાકાતને પણ યાદ કરી હતી.


બંને નેતાઓએ અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર પ્રગતિની સમીક્ષા કરી. તેઓએ પરસ્પર હિતના અનેક પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું. બંને નેતાઓ સંપર્કમાં રહેવા સંમત થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે પણ ફોન પર વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર આ વાતચીત વિશે જણાવ્યું હતું કે, તેમની અને બાઈડેન વચ્ચે ઘણા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વધુમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ સાથે પણ વાત કરી હતી. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન અલ્બેનીઝે દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ અને મલ્ટીનેશનલ પ્લેટફોર્મ પર સહયોગ અંગે ચર્ચા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application