Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય વકીલ સંમેલન 2023નું ઉદઘાટન કર્યું

  • September 24, 2023 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આંતરરાષ્ટ્રીય વકીલ સંમેલન ૨૦૨૩નું ઉદઘાટન કર્યું હતું. દેશના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂર પણ આ સંમેલનમાં જોડાયા હતા. મોદીએ આ કાર્યક્રમમાં વકીલોને સંબોધિત કરતા કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય વકીલ સંમેલન પણ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનું પ્રતીક છે. દેશની સ્વતંત્રતાની લડાઇમાં વકીલોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર પણ વકીલ હતા જેમણે દેશનો પાયો મજબૂત કર્યો તેમ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું. નવી દિલ્હીમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ન્યાયિક વ્યવસ્થા સામેના પડકારો વિષય પર આંતરરાષ્ટ્રીય વકીલ સંમેલનનું આયોજન કર્યુ હતું. આ સંમેલનના ઉદઘાટન સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કાયદાના નિષ્ણાતોએ આઝાદ ભારતનો પાયો મજબૂત કરવાનું કામ કર્યું છે, આજે ભારત પ્રત્યે વિશ્વનો વિશ્વાસ વધ્યો છે.



કોઇ પણ દેશના નિર્માણમાં તે દેશની ન્યાય વ્યવસ્થાની મોટી ભૂમિકા હોય છે. ભારતમાં ન્યાયપાલિકા અને બાર કાઉંસિલ હંમેશાથી આપણા દેશમાં કાયદાના સંરક્ષક રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવા માટે એક સ્વતંત્ર, મજબૂત ન્યાય વ્યવસ્થાના પાયાની જરૂર છે. કોઇ પણ દેશના વિકાસમાં ન્યાયતંત્રની મોટી ભૂમિકા હોય છે. મોદીએ કહ્યું હતું કે સાઇબર આતંકવાદ હોય કે મની લોન્ડરિંગ, આર્ટિફિશિયલ ઇંટેલિજંસ હોય વૈશ્વિક ફ્રેમવર્ક તૈયાર કરવાનું કામ માત્ર કોઇ એક સરકારનું નથી હોતુ, જો સમસ્યા વૈશ્વિક હોય તો તેના ઉપાયો પણ વૈશ્વિક હોવા જોઇએ. દરેક દેશોએ મળીને આ મામલે કામ કરવાની જરૂર છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયદા અને ભાષા પર વાત કરતા કહ્યું હતું કે લોકોને સમજાય તે ભાષામાં કાયદાઓના ડ્રાફ્ટ  તૈયાર કરવામાં આવી રહ્યા છે.



દેશમાં પહેલી વખત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ પ્રકારની આંતરરાષ્ટ્રીય વકીલ કોન્ફરંસનું આયોજન થયુ છે. સંમેલનમાં મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ, હાઇકોર્ટના ન્યાયાધીશો, વરીષ્ઠ વકીલો સહિતના કાયદા ક્ષેત્રના દિગ્ગજો હાજર રહ્યા હતા. આ ઉપરાંત બ્રિટનના સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર જસ્ટિસ પણ જોડાયા હતા. આ કોન્ફરંસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યું હતું, જ્યારે મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ મુખ્ય મહેમાન બન્યા હતા. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે પણ કોન્ફરંસનું સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ભારતના વિવિધ ક્ષેત્રો, વિવિધ પૃષ્ઠભૂમિઓ, એટલુ જ નહીં વિરોધાભાસી પરંપરાઓ ધરાવતા લોકો બંધારણનો ડ્રાફ્ટ તૈયાર કરવા સમયે એક થઇ ગયા હતા. જેના પર ભારતીય નાગરિક તરીકે ગૌરવ થાય. આ જ રીતે બધા જ પક્ષો મહિલા અનામત બિલ પસાર કરવા માટે એક થયા જે પણ ગૌરવ લેવા જેવી બાબત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application