વડાપ્રધાન ‘મોદી મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનની શરૂઆત શ્રાવણ મહિનાના ઉલ્લેખથી કરી હતી. વડાપ્રધાનજી એ કહ્યું કે, શ્રાવણનો મહિનો ચાલી રહ્યો છે અને તે મહાદેવની પૂજા તેમજ હરિયાળી અને સમૃદ્ધિ સાથે જોડાયેલો છે. શ્રાવણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, શ્રાવણનો અર્થ જ આનંદ અને ઉલ્લાસ છે. શ્રાવણ મહિનામાં અનેક ભક્તો શિવની આરાધના કરે છે. ભક્તોની 12 જ્યોતિર્લિંગએ ભીડ ઉમટી પડે છે. વારાણસી, અયોધ્યા, મથુરા અને ઉજ્જૈનમાં આવનારા પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશવાસીઓ સંપૂર્ણ જાગૃતિ સાથે જળ સંરક્ષણ માટે પ્રયાસો કરી રહ્યા છે. અત્યારે દેશમાં 50 હજાર અમૃત સરોવર બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
મધ્યપ્રદેશના શાહડોલના પાકરીયા ગામમાં, આદિવાસીઓએ 100 કુવાઓને વોટર રિચાર્જ સિસ્ટમમાં રૂપાંતરિત કર્યા છે. વરસાદનું પાણી આ કુવાઓમાં જાય છે અને ત્યાંથી જમીનમાં જાય છે. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં 30 કરોડ વૃક્ષો વાવવાનો રેકોર્ડ બન્યો છે. રાજ્ય સરકારે અભિયાન શરૂ કર્યું અને લોકોએ તેમાં સંપૂર્ણ સહકાર આપ્યો. ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડાપ્રધાને કહ્યું કે, તેમને હજથી પરત ફરેલી મુસ્લિમ મહિલાઓ તરફથી મોટી સંખ્યામાં પત્રો મળ્યા છે. વડાપ્રધાને કહ્યું કે, આ મહિલાઓએ પુરૂષ સભ્યો કે મેહરમ વગર હજ કરી હતી. તેમની સંખ્યા 50 કે 100 નહીં પરંતુ 4000 છે. આ એક મોટો ફેરફાર છે. અગાઉ મુસ્લિમ મહિલાઓને મેહરમ વિના હજ કરવાની મંજૂરી નહોતી. વડાપ્રધાનએ આ માટે સાઉદી અરેબિયાની સરકારનો પણ આભાર માન્યો, જેમણે એકલી હજ યાત્રા પર જતી મહિલાઓની મદદ માટે મહિલા સંયોજકોને તૈનાત કર્યા.
તેમણે કહ્યું કે, શહીદ વીર અને વીરાંગનાને આદર આપવા માટે “મેરી માટી મેરા દેશ” અભિયાન શરૂ કરવામાં આવશે. વડાપ્રધાને કહ્યું કે, દેશ માટે બલિદાન આપનારાઓની યાદમાં સમગ્ર ભારતમાં કાર્યક્રમો યોજવામાં આવશે અને લાખો ગ્રામ પંચાયતોમાં વિશેષ શિલાલેખ પણ સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે 'મેરી માટી, મેરા દેશ' અભિયાન હેઠળ દેશભરમાં અમૃત કલશ યાત્રાનું આયોજન કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું, 'આ 'અમૃત કલશ યાત્રા' દેશના ખૂણેખૂણેથી 7,500 કલશોમાં માટી લઈને દેશની રાજધાની દિલ્હી પહોંચશે. આ યાત્રામાં દેશના વિવિધ ભાગોમાંથી છોડ પણ પોતાની સાથે લાવવામાં આવશે. તેમણે કહ્યું કે, કળશમાં આવેલી માટી અને છોડ સાથે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની નજીક 'અમૃત વાટિકા' બનાવવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500