Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળનાં વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે બિહારનાં બથનાહાથી પ્રથમ માલવાહક ટ્રેનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું

  • June 01, 2023 

ભારત અને નેપાળની મિત્રતાનો આજે ખુબ મહત્વનો દિવસ છે. ભારતની મુલાકાતે આવેલા નેપાળનાં વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડે ભારતનાં વડાપ્રધાન મોદી સાથે મળીને બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ ગાઢ બનાવી છે. બંને વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ભારત અને નેપાળ વચ્ચે આજે ઘણા મહત્વના સમજુતી કરારો થયા છે. ઉપરાંત રેલવે અને તેલ પાઈપલાઈન જેવા પ્રોજેક્ટોનો પાયો પણ નખાયો છે. વડાપ્રધાને કહ્યું કે, ભવિષ્યમાં પોતાની ભાગીદારીને સુપરહિટ બનાવવા ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ભારત અને નેપાળ વચ્ચે આ નવી ટ્રેન સેવા શરૂ થઈ ગઈ છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડાપ્રધાન પુષ્પકમલ દહલ પ્રચંડે બિહારના બથનાહાથી પ્રથમ માલવાહક ટ્રેનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે. કાર્ગો ટ્રેનનું સંચાલન બિહારથી નેપાળ કસ્ટમ યાર્ડ સુધી થશે. રેલવે દ્વારા બંને દેશો વચ્ચે શરૂ કરાયેલી આ નવી ટ્રેનથી આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખુલી ગયા છે. નેપાળના વડાપ્રધાન પ્રચંડ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે ટ્રાન્ઝિટ એગ્રીમેન્ટ પૂર્ણ થયું છે. આમાં નેપાળના લોકો માટે નવા રેલ માર્ગની સાથે ભારતના આંતરદેશીય જળમાર્ગોની સુવિધા માટે પણ જોગવાઈ કરાઈ છે.


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને નેપાળ વચ્ચેનાં ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધો ઘણા જૂના અને મજબૂત છે. બંને દેશોની મિત્રતાને વધુ મજબુત બનાવવા વડાપ્રધાન પ્રચંડ અને મે નિર્ણય લીધો છે કે રામાયણ સર્કિટ સાથે સંબંધિત પ્રોજેક્ટને ઝડપથી કામગીરી શરૂ કરી દેવી જોઈએ. સંયુક્ત નિવેદનમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, જ્યારે હું 2014માં નેપાળની મુલાકાતે ગયો હતો, ત્યારે મેં ભારત-નેપાળ સંબંધો માટે ‘HIT’ ફોર્મ્યુલાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ‘H-હાઈવે, I-આઈવે અને T-ટ્રાન્સવે...’ PMએ કહ્યું, આ મુલાકાત દરમિયાન મેં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, અમે ભારત-નેપાળ વચ્ચે એવી બાબતોનો વિકાસ કરીશું કે, જેમાં ‘અમારા વચ્ચેની સરહદો, અમારા વચ્ચે અવરોધ ન બને.’


તેમણે કહ્યું કે, અમે અમારા સંબંધોને હિમાચલ જેટલી ઊંચાઈ સુધી લઈ જવા માટે સતત કામ કરતા રહીશું અને આવી જ ભાવના સાથે અમે તમામ મુદ્દાઓને, ભલે તે સરહદનો મુદ્દો હોય કે, અન્ય કોઈ વિષય... તમામ બાબતોનું સમાધાન કરીશું. આ પહેલા નેપાળના વડાપ્રધાન પ્રચંડ અને વડાપ્રધાન મોદી હૈદરાબાદમાં મળ્યા હતા. ત્યારબાદ બંને નેતાઓએ અનેક ક્ષેત્રોમાં એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.


વડાપ્રધાન મોદી અને નેપાળ વડાપ્રધાન દહલ પ્રચંડએ સંયુક્ત રીતે ભારત અને નેપાળ વચ્ચે મોતિહારી-અમલેખગંજ ઓઇલ પાઈપલાઈનના ફેઝ-2નો શિલાન્યાસ કર્યો. ઉપરાંત રેલવેના કુર્થા-બિજલપુરા સેક્શનના ઈ-યોજનાનું સંયુક્તપણે અનાવરણ કર્યું. બંને વડાપ્રધાનોએ બથનાહાથી નેપાળ કસ્ટમ યાર્ડ સુધીની ભારતીય રેલવે કાર્ગો ટ્રેનને સંયુક્ત રીતે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application