તારીખ 30 જુલાઈના રોજ કેરળના વાયનાડમાં ભૂસ્ખલને ભારે વિનાશ સર્જ્યો હતો. આ ભયંકર કુદરતી આપત્તિમાં અત્યાર સુધી 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 150 જેટલા લોકો હજુ પણ ગુમ છે. આપત્તિનો ભોગ બનેલા પીડિતો હજુ પણ આઘાતમાં છે. આ વચ્ચે વડાપ્રધાન મોદી કેરળના વાયનાડની મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારો ઉપરાંત પીડિતો સાથે મુલાકાત કરી હતી. પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક અસરગ્રસ્ત શાળાની હાલત જોઈ ભાવુક થઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેલ્લારમાલામાં એક અસરગ્રસ્ત શાળાની પણ મુલાકાત લીધી હતી, ત્યારે શાળાની દશા જોઈ તેઓ ભાવુક થઈ ગયા હતા.
તેમણે સી. એમ. વિજયનને પૂછ્યું કે, આ આપત્તિમાં કેટલા બાળકોએ તેમના માતા-પિતા ગુમાવ્યા છે. અહેવાલ મુજબ, આ શાળામાં 582 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતા, જેમાંથી 27 વિધાર્થીઓ કથિત રીતે ગુમ છે. પ્રધાનમંત્રીએ આ શાળામાં 15 મિનિટ પસાર કરી અને શાળાના પુનઃ નિર્માણ કરવા અંગેની યોજના વિશે જાણકારી પણ મેળવી હતી. કેરળ પહોંચ્યા બાદ પી. એમ. મોદીએ કેરળના ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયન સાથે પુંચિરિમટ્ટમ, મુડક્કઇ અને ચૂરલમાલાના સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોનું પણ નિરીક્ષણ કર્યું હતું. જાણકારી મુજબ, હવાઈ સર્વેક્ષણ કર્યા બાદ વડાપ્રધાને જ્યાં પીડિતોની સારવાર ચાલી રહી છે તે હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી.
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતીય સેના દ્વારા બનાવેલા 190 ફૂટ ઊંચા બ્રિજની પણ મુલાકાત કરી હતી તેમજ સૈન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભયંકર કુદરતી આપત્તિ અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. જેમાં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઇ વિજયન અને કેરળના અન્ય ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર ઘટનાક્રમના કારણો અને ત્યારબાદથી અત્યાર સુધી તંત્રએ લીધેલા પગલાં અંગે જાણકારી મેળવી હતી. નોંધનીય છે કે, વડાપ્રધાને કેરળની મુલાકાત કર્યાના એક દિવસ પહેલાં જ કેરળ સરકારે રાહત કાર્ય માટે કેન્દ્ર સરકાર પાસેથી 2000 કરોડની નાણાંકીય સહાયની માગ કરી હતી. ઉપરાંત કેન્દ્ર સરકાર આ આપદાને રાષ્ટ્રીય અને ગંભીર આપદા જાહેર કરે તેવી આશા પણ વ્યકત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500