સામાજીક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા વિસ્તારોમાં લોકો સુધી પહોંચ વધારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારનાં રોજ BJP સંસદીય દળની બેઠકને સંબોધિત કરતા સાંસદોને આ સલાહ આપી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે, જો તમે લોકો સામાજિક મુદ્દાઓ પર કામ કરશો તો પાર્ટીને ફાયદો થશે. આ દરમિયાન તેમણે ગુજરાતમાં 'બેટી બચાવો બેટી પઢાવો' યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ યોજનાના પ્રચાર માટે અને લોકોને જાગૃત કરવાથી રાજ્યમાં લિંગ ગુણોત્તરમાં સુધારો થયો છે. આ સિવાય વડાપ્રધાન મોદીએ સાંસદો પાસેથી ટેક્નોલોજીના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે જેઓ સમજી શકતા નથી, તેઓ એક્સપર્ટને પણ હાયર કરી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં વિપક્ષી દળોની એકતા અને અદાણી મુદ્દે વિરોધ પર પણ સીધું કંઈ કહ્યું ન હતું. પરંતુ એવું ચોક્કસપણે કહેવામાં આવ્યું હતું કે, પૂર્વોત્તરના ત્રણ રાજ્યોની ચૂંટણીમાં વિરોધ પક્ષોને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. BJP દ્વારા 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી સામાજીક ન્યાય સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદો પાસે આ કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરી હતી. BJPના એક નેતાએ જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, તમે લોકો તારીખ 6થી 14 એપ્રિલ દરમિયાન સામાજીક ન્યાય સપ્તાહ પર ધ્યાન કેન્દ્રિત કરો.'
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને મોદી સરકારનાં 9 વર્ષ પૂર્ણ થવાના અવસર પર જનતાની વચ્ચે જવાની પણ અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તમે જનતા વચ્ચે જાઓ અને લોકોને જણાવો કે છેલ્લા 9 વર્ષમાં સરકારે શું કામ કર્યું છે અને કઈ યોજનાઓથી જનતાને ફાયદો થયો છે. આ દિવસોમાં ભાજપ દ્વારા ઓબીસી વોટ બેંક પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આ જ કારણ છે કે પાર્ટીએ ઓ.બી.સી. મોરચાને આ કાર્ય સોંપ્યું છે, જે યોજનાઓનો પ્રચાર કરશે અને પછાત વર્ગના લોકોને જણાવશે કે તેમને શું ફાયદો થયો છે.
BJPની રણનીતિ એ વાત પરથી પણ સમજી શકાય છે કે મોદી સરનેમના જે મામલામાં રાહુલ ગાંધીને સજા થઈ છે, તેને ઓ.બી.સી.ના અપમાન સાથે જોડીને રજૂઆત કરવાની તૈયારી છે. BJP સતત કહી રહી છે કે રાહુલ ગાંધીએ મોદી સરનેમ પર વાંધાજનક ટિપ્પણી કરીને ઓ.બી.સી. સમુદાયનું અપમાન કર્યું છે. વડાપ્રધાને સાંસદોને ટેક્નોલોજીનો ઉપયોગ કરવા પણ કહ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જે સાંસદો ટેક્નોલોજી વિશે વધારે જાણતા નથી તેમણે નિષ્ણાતની મદદ લેવી જોઈએ. બજેટ સત્રના બીજા તબક્કા દરમિયાન આ પ્રકારની પ્રથમ બેઠક હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને સંબોધિત કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500