આજે બુધવારે આદિવાસી સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની જન્મજયંતિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે ઝારખંડની રાજધાની રાંચીમાં બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન સવારે રાંચીમાં ભગવાન બિરસા મુંડા મેમોરિયલ પાર્ક અને ફ્રીડમ ફાઈટર મ્યુઝિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાનની સાથે મુખ્ય પ્રધાન હેમંત સોરેન, કેન્દ્રીય આદિજાતિ કલ્યાણ પ્રધાન અર્જુન મુંડા અને ઝારખંડના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન પણ હાજર હતા.
વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું કે, ભગવાન બિરસા મુંડાજીને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ, આ ખાસ પ્રસંગ સાથે સંકળાયેલા આદિવાસી ગૌરવ દિવસ પર દેશભરના મારા પરિવારના સભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
નોંધનીય છે કે સરકારે બિરસા મુંડાની જન્મજયંતિને ‘આદિવાસી ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદી બિરસા મુંડાના જન્મસ્થળ ઉલિહાટુની મુલાકાત લેશે, જ્યાં તેઓ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપશે અને અન્ય ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે.બિરસા મુંડાનો જન્મ વર્ષ 1875માં અવિભાજિત બિહારના આદિવાસી વિસ્તારમાં થયો હતો. તેમણે આદિવાસીઓને બ્રિટિશ સંસ્થાનવાદી શાસન અને ધર્માંતરણ પ્રવૃત્તિઓ સામે એકત્ર કર્યા હતા. વર્ષ 1900માં રાંચીની જેલમાં તેમનું અવસાન થયું.
વડા પ્રધાને બુધવારે રાજ્ય સ્થાપના દિવસ પર ઝારખંડના લોકોને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે અન્ય પોસ્ટમાં કહ્યું, ‘ઝારખંડ તેના ખનિજ સંસાધનો તેમજ આદિવાસી સમાજની હિંમત, બહાદુરી અને સ્વાભિમાન માટે પ્રખ્યાત છે. અહીં મારા પરિવારના સભ્યોએ દેશની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હું તેમને રાજ્યના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવું છું અને રાજ્યના ઉજ્જવળ ભવિષ્યની પણ શુભેચ્છા પાઠવું છું.’
વર્ષ 2000માં આ દિવસે બિહારનું વિભાજન કરીને ઝારખંડ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભાઈ-બહેન વચ્ચેના પ્રેમના તહેવાર ભાઈ બીજ પર દેશવાસીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, ભાઈ બીજ એ ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધનું પ્રતીક છે. આ શુભ અવસર પર સમગ્ર દેશમાં તમારા પરિવારના સભ્યોને મારી હાર્દિક શુભેચ્છાઓ..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500