વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7ની વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ જર્મનીના શોલ્સ એલ્માઉની મુલાકાત લેશે. આ શિખર સંમેલનમાં યુક્રેન કટોકટી અને ઇન્ડો-પેસેફિકની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે. જર્મની પ્રવાસ પછી તા.28 જૂને વડાપ્રધાન મોદી યુએઇ જશે અને ત્યાં મોદી યુએઇનાં પૂર્વરાષ્ટ્રપતિ અને અબુ ધાબીનાં શાસક રહેલા શેખ ખલીફા બિન જાયેદ અલ નાહ્યાનના અવસાન પર વ્યક્તિગત રીતે શ્રદ્ધાંજલિ આપશે.
વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર વડાપ્રધાન મોદી જર્મનીના ચાન્સેલર ઓલાફ શોલ્જના આમંત્રણ પર G7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે શોલ્સ એલ્માઉ જશે. G7 જૂથ વિશ્વનાં સાત સૌથી ધનિક દેશોનું સમૂહ છે જેની અધ્યક્ષતા હાલમાં જર્મની કરી રહ્યું છે. અઆ સમૂહમાં બ્રિટન, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને અમેરિકા સામેલ છે.
G7 શિખર સંમેલનનું આયોજન જર્મનીની અધ્યક્ષતામાં થઇ રહ્યું છે જેમાં આર્જેન્ટિના, ઇન્ડોનેશિયા, સેનેગલ, દક્ષિણ આફ્રિકા જેવા દેશોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમિટમા અમેરિકાના પ્રમુખ જો બાઇડેન, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસન, ફ્રાન્સના પ્રમુખ એમ્યુનલ મેક્રોન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રૂડુ સહિતના અનેક નેતાઓ ભાગ લઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વડાપ્રધાન મોદીએ બીજી મેના રોજ જર્મનીની મુલાકાત લીધી હતી. તે સમયે તેઓ ઇન્ડિયા-જર્મની ઇન્ટર ગર્વમેન્ટલ કન્સલટેશન (આઇજીસી)માં ભાગ લેવા માટે જર્મની ગયા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500