વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે કેરળના બે દિવસના પ્રવાસે જવાના છે, જ્યાં તે કેરળની સૌપ્રથમ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે તથા અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. જોકે, તેમના આ કાર્યક્રમ પહેલાં જ વડાપ્રધાન મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે, જેને પગલે કેન્દ્રીય એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
કેરળ ભાજપ પ્રમુખ કે. સુરેન્દ્રને જણાવ્યું હતું કે, તેમને ૧૭મી એપ્રિલે ભાજપ મુખ્યાલયમાં એક પત્ર મળ્યો હતો. કેરળ નિવાસી દ્વારા આ ધમકીભર્યો પત્ર મલયાલમ ભાષામાં લખાયો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ કે. સુરેન્દ્રને આ પત્ર ગયા સપ્તાહે જ પોલીસને સોંપી દીધો હતો. વડાપ્રધાન મોદી ૨૪ અને ૨૫ એપ્રિલે કેરળનો પ્રવાસ કરવાના છે, જ્યાં તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે.
એડીજીપી (ગુપ્તચર વિભાગ)નો એક રિપોર્ટ મીડિયામાં સામે આવ્યા પછી કે. સુરેન્દ્રને મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે એક સપ્તાહ પહેલાં જ પત્ર પોલીસ વડાને સોંપી દીધો હતો. સુરેન્દ્રને આક્ષેપ કર્યો કે પોલીસનો ગુપ્ત રિપોર્ટ લીક થવો એક ગંભીર ભૂલ હતી. તેની તપાસ થવી જોઈએ. ૪૯ પાનાના રિપોર્ટમાં ફરજ પર તૈનાત રહેનારા અધિકારીઓના નામ, તેમની ભૂમિકા, વડાપ્રધાનનો વિસ્તૃત કાર્યક્રમ ચાર્ટ સહિતની વિગતોનો સમાવેશ થાય છે.
ગુપ્તચર વિભાગના રિપોર્ટમાં જણાવાયું છે કે, ગયા સપ્તાહે ભાજપ મુખ્યાલયમાં એક પત્ર મોકલાયો હતો, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આત્મઘાતી હુમલા દ્વારા મારી નાંખવાની ધમકી અપાઈ હતી. આ પત્રની સત્યતા અને ધમકી આપનારની તપાસ કરાઈ રહી છે. આ પત્ર કોચ્ચી નિવાસી એન.જે. જોનીના નામથી લકાયો હતો. જોકે, તેણે આવો કોઈ પત્ર લખ્યાનો ઈનકાર કર્યો હતો. પોલીસે તેના હેન્ડરાઈટિંગ ચેક કરતાં પત્ર બીજા કોઈએ લખ્યો હોવાનું જણાયું છે. પોલીસે મારી પૂછપરછ કરી હતી અને મેં તેમને બધી જ માહિતી આપી દીધી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500