તારીખ 11 નવેમ્બર 2024નાં રોજ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે શપથ લેવડાવ્યા. આ શપથ ગ્રહણ સમારોહ સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો. જસ્ટિસ ખન્ના જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. કેન્દ્ર સરકારે 16 ઓક્ટોબરના રોજ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની ભલામણ બાદ 24 ઓક્ટોબરે જસ્ટિસ ખન્નાની નિમણૂકને સત્તાવાર રીતે સૂચિત કરી હતી. શુક્રવારે જસ્ટિસ ચંદ્રચૂડનો CJI તરીકેનો છેલ્લો કાર્યકારી દિવસ હતો અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશો, વકીલો અને સ્ટાફ દ્વારા તેમને ભવ્ય વિદાય આપવામાં આવી હતી.
તેઓ 2019થી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા છે. જસ્ટિસ ખન્ના, જાન્યુઆરી 2019થી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા છે, EVMની પવિત્રતા જાળવી રાખવા, ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરવા, આર્ટિકલ 370 નાબૂદ કરવા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા જેવા અનેક સીમાચિહ્નરૂપ નિર્ણયોનો તેઓ ભાગ રહ્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાનો જન્મ 14 મે 1960નાં રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા, ન્યાયાધીશ દેવ રાજ ખન્ના, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ હતા અને તેમના કાકા, એચ.આર.ખન્ના, ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ હતા. જસ્ટિસ ખન્નાએ તેમનું પ્રારંભિક શિક્ષણ દિલ્હી યુનિવર્સિટીના કેમ્પસ લો સેન્ટરમાંથી લીધું હતું અને ત્યારબાદ દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી.
જસ્ટિસ ખન્નાએ 1983માં દિલ્હી બાર કાઉન્સિલમાં જોડાયા હતા. તેમણે શરૂઆતમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અને બાદમાં દિલ્હી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી. તેમણે આવકવેરા વિભાગમાં વરિષ્ઠ સ્ટેન્ડિંગ કાઉન્સેલ તરીકે પણ સેવા આપી હતી. તેમની 2004માં દિલ્હી માટે સ્ટેન્ડિંગ કાઉન્સેલ (સિવિલ) તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારપછી તેમણે દિલ્હી હાઇકોર્ટમાં અનેક મહત્ત્વપૂર્ણ ફોજદારી કેસ લડ્યા હતા. 24 ઓક્ટોબર 2024ના રોજ, જસ્ટિસ સંજીવ ખન્નાની CJI પદ પર નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા 16 ઑક્ટોબરે જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે જસ્ટિસ ખન્નાના નામની ભલામણ કરી હતી. આ પછી, 11 નવેમ્બર 2024 ના રોજ રાષ્ટ્રપતિ મૂર્મુએ તેમને પદના શપથ લેવડાવ્યા. જસ્ટિસ ખન્નાનો કાર્યકાળ 13 મે, 2025 સુધી ચાલશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500