Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાતે

  • April 25, 2024 

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી પાકિસ્તાનની ત્રણ દિવસની મુલાકાતે પહોંચ્યા છે. આ અવસર પર ગઈકાલ સોમવારે પાકિસ્તાને ફરી એકવાર ઈસ્લામિક કાર્ડ રમવાનો પ્રયાસ કર્યો હતો. ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાને એક તરફ કાશ્મીર મુદ્દે સાથ આપવા બદલ ઈરાનનો આભાર માન્યો તો બીજી તરફ તેની સાથેના પોતાના સંબંધોને સદીઓ જૂના ગણાવ્યા. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, ઈરાન સાથે અમારા સંબંધો 76 વર્ષ જૂના નથી પરંતુ સદીઓ જૂના છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભલે 1947માં અસ્તિત્વમાં આવ્યું હોય, પરંતુ ઈરાનનો આ ક્ષેત્ર સાથે લાંબા સમયથી સંબંધ જળવાઈ રહેલો છે. એટલું જ નહીં, જ્યારે પાકિસ્તાનનું નિર્માણ થયું ત્યારે તેને માન્યતા આપનારાઓમાં સૌથી આગળ ઈરાન હતું તેમ તેમણે જણાવ્યું હતું.


પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે, ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને પોતાનો ભાઈ ગણાવ્યા હતા. રાયસીને જાન-એ-બિરાદર કહીને સંબોધતા શાહબાઝ શરીફે કહ્યું કે, તમે એવા સમયે ગાઝા માટે અવાજ ઉઠાવ્યો હતો. જ્યારે દુનિયામાં કોઈ સમર્થન કરતું ન હતું. એટલું જ નહીં, શાહબાઝ શરીફે ગાઝામાં માર્યા ગયેલા 35 હજાર મુસ્લોમ લોકોને શહીદ ગણાવ્યા. આ ઉપરાંત તેમણે કાશ્મીરના વખાણ કર્યા અને તેની ગાઝા સાથે તુલના કરી અને કહ્યું કે ત્યાં પણ ભારતના અત્યાચારને કારણે મુસ્લિમોનું લોહી વહી રહ્યું છે. શાહબાઝ શરીફે વિશ્વના મુસ્લિમોમાં એકતાની અપીલ પણ કરી હતી. આ રીતે, પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા અટક્યું નહીં અને ઈરાનના રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો.


જોકે, આ મામલે ઈરાને તેને જોરદાર ઝટકો આપ્યો હતો. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ પોતાના નિવેદનમાં ગાઝાને સમર્થન આપવા બદલ પાકિસ્તાનનો જાહેરમાં આભાર માન્યો હતો. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ઈસ્લામિક એકતાની પણ વાત કરી, પરંતુ કાશ્મીરનો ઉલ્લેખ સહેજ પણ કર્યો નહીં કાશ્મીરનો ક પણ ઉચ્ચાર્યો નહીં. આ રીતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ઉભા રહીને પાકિસ્તાનનો કાશ્મીરને લઈને એજન્ડાને ઈરાનના રાષ્ટ્રપતિએ ફગાવી દીધો. તેમણે ખુલ્લેઆમ ઇસ્લામિક એકતાની હિમાયત કરી હતી અને કહ્યું હતું કે આજે મુસ્લિમોએ એકજૂટ રહેવાની જરૂર છે. પરંતુ તેમણે કાશ્મીર વિશે કશું જ ના કહીને એક પ્રકારે પાકિસ્તાનને ભારે ઝટકો આપ્યો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયા, તુર્કી, ઈરાન જેવા મુસ્લિમ દેશોના નેતાઓ સાથેની બેઠક દરમિયાન પાકિસ્તાનના નેતાઓ કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા રહ્યા છે. જોકે, તેને સાઉદી અરેબિયા અને ઈરાન જેવા દેશો તરફથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને આંચકોઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, તુર્કીએ ઘણી વખત કાશ્મીરનો મુદ્દો ઘણા બધા પ્લેટફોર્મ પર ઉઠાવ્યો છે. જેના પર ભારતે પણ તુર્કી સમક્ષ વાંધો વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગાઝામાં ઈઝરાયેલના હુમલામાં અત્યાર સુધીમાં લગભગ 35 હજાર લોકો માર્યા ગયા છે. આ સિવાય પણ હાલમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે અને બંને દેશોએ એકબીજા પર સીધો હુમલો કરી ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application