રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ મહાકુંભમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે આજે સંગમમાં ડૂબકી લગાવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની સાથે હાજર હતા. મહામહિમએ સંગમ ખાતે હોડીની સફર કરી અને પક્ષીઓને ચણ આપ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મુલાકાતને ધ્યાનમાં રાખીને શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. માતા ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આસ્થાની ડૂબકી લગાવીને સનાતન આસ્થાને મજબૂત પાયો આપ્યો. દેશના પ્રથમ નાગરિક માટે સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવાનો આ એક ઐતિહાસિક ક્ષણ છે.
ત્યારબાદ પોતાની ધાર્મિક શ્રદ્ધાને વધુ મજબૂત કરવા માટે તે અક્ષયવટની મુલાકાત લેશે અને પૂજા કરશે. મહાકુંભનો આજે 29મો દિવસ છે. 13મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 43.57 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે. આજે સવારે 10 વાગ્યા સુધીમાં 63 લાખ લોકોએ સ્નાન કર્યું છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ પોતાના પરિવાર સાથે સંગમમાં ડૂબકી લગાવી હતી. હાલ પ્રયાગરાજમાં ભારે ભીડ છે. જેને ધ્યાનમાં રાખીને, અરૈલ ઘાટથી સંગમ સુધીની બોટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સંગમ સ્ટેશન 14મી ફેબ્રુઆરી સુધી બંધ રાખવામાં આવ્યું છે. પ્રયાગરાજ જંકશન પર ભીડનું સંચાલન કરવા માટે ઇમરજન્સી ભીડ વ્યવસ્થાપન યોજના લાગુ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500