G20 પરિષદની બેઠકો મુંબઈમાં 12 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે અને મુંબઈ શહેર તેના માટે તૈયાર થઈ ગયું છે. G20 શિખર સમ્મેલનના વર્ષ દરમ્યાન લગભગ 215 વિભિન્ન બેઠકો અને કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આ અવસરે વિદેશી મહેમાનો સમક્ષ રાજ્યની સંસ્કૃતિનો પરિચય કરાવવામાં આવશે. મહારાષ્ટ્રમાં G20ની કુલ 14 બેઠકો યોજાશે જેમાં મુંબઈમાં 8, પુણેમાં 4, ઔરંગાબાદ અને નાગપુરમાં 1-1 બેઠક યોજાશે.
વિકાસ કાર્યની બેઠક 13થી 16 ડિસેમ્બર સુધી મુંબઈમાં યોજાશે. આ તકે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આશ્વાસન આપ્યું કે, પ્રદેશની સાંસ્કૃતિક પરંપરાઓ અને ખાન-પાનની સંસ્કૃતિથી પણ વિદેશી પર્યટકોને માહિતગાર કરાશે. દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં યોજાનાર G20 બેઠકો અને કાર્યક્રમોની તૈયારીની સમીક્ષા માટે વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા વિભિન્ન રાજ્યોના રાજ્યપાલો તેમજ મુખ્ય મંત્રીઓ સાથે પણ વાતચીત કરી છે અને તેમને વિદેશી મહેમાનોને ભારતની વિવિધતાનો પરિચય આપવાનું સૂચન કર્યું છે.
તેમણે જણાવ્યું કે રાજ્યોનું બ્રાન્ડિંગ કરવાનો આ સોનેરી અવસર છે. આ અવસરે ભારતના દરેક રાજ્યનું નામ વૈશ્વિક બને એવી રીતે આયોજન કરવાની તેમણે સલાહ આપી હતી. વડા પ્રધાને દરેક વર્ગનાં લોકોને એમાં સામેલ થવાની અપીલ પણ કરી. ઉલ્લેખનીય છે કે G20 દેશોની બેઠકમાં ભાગ લેવા G20 પરિષદના લગભગ એક લાખ લોકો આવી રહ્યા છે. આ દેશો વિશ્વભરનાં દેશોમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. વડાપ્રધાને એવો પણ આગ્રહ કર્યો કે સામાજિક, આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં મહિલાઓના નેતૃત્વ હેઠળ જે વિકાસ થયો છે તેને આ બેઠકો દ્વારા પ્રદર્શિત કરી શકાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500