નંદુરબારનાં પ્રેમી-પંખિડાએ જુના કુકરમુંડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીનાં પાણીમાં પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી લેતાં બંનેનાં મૃતદેહો પુલ નજીકથી મળી આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રનાં નંદુરબારનાં જુના કુંભારવાડા હસ્તીબેંકની પાછળ રહેતા ધીરજ ભાઇદાસભાઈ મરાઠે (ઉ.વ.26) અને નંદુરબારનાં ચૌધરી ગલી વિસ્તારની વૈષ્ણવીબેન અનિલભાઈ મરાઠે (ઉ.વ.20) સાથે પ્રેમ-સબંધ હતો.
કોઈક કારણોસર વૈષ્ણવીનાં લગ્ન અન્ય યુવાન સાથે નક્કી થઈ ગયા હતા અને તેના લગ્ન રવિવારે હતા. લગ્નની તમામ તૈયારીઓ થઇ ચુકી હતી, યુવતી લગ્નના આગલા દિવસે શનિવારે પીઠી ચોળેલી હાલતમાં જ મંડપમાંથી ચાલી નીકળી હતી. જોકે હાથમાં મહેંદી તેમજ તમામ તૈયારીઓ થઈ ચુકી હોય અને દુલ્હન ગુમ થતા પરિવાર અને ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી. ત્યારે યુવતીને પ્રેમી મોટરસાયકલ ઉપર બેસીને ભગાડી ગયાની જાણ થતા જ પરિવારજનોમાં ખળભળાટ મચી ગયો હતો.
યુવતીના પરિવારજનોએ યુવકના ભાઈને જાણ કરતા તે પણ શોધવા લાગ્યો હતો. પ્રેમી પંખીડાને આ જન્મમાં એક થઇ શકે એમ ના લાગતા તારીખ 13નાં રોજ બંનેએ કુકરમુંડાનાં જુના કુકરમુંડામાંથી પસાર થતી તાપી નદીના પુલ ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. બંનેના મૃતદેહો રવિવારે જુના કન્ડ્રોજ-જુના કુકરમુંડા વિસ્તારમાંથી પુલ નજીકથી મળી આવ્યા હતા. ઘટના અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500