Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે પ્રિ-મોન્સુન પ્રિપર્ડનેસ બેઠક યોજાઈ

  • May 23, 2022 

વિશિષ્ટ ભૃપૃષ્ઠ ધરાવતા ડાંગ જિલ્લામાં ખાસ કરીને ચોમાસા દરમિયાન ભુસ્ખલન તથા વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સાથે, લો લેવલ કોઝ-વે અને માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળવાના બનાવો બનતા હોય છે. તેવા સમયે જિલ્લાના સંબંધિત અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી કરવાની તાકીદ ડાંગ કલેકટર ભાવિન પંડયાએ કરી છે.



આહવા ખાતે યોજાયેલી પ્રિ-મોન્સુન પ્રિપર્ડનેસ બેઠકમા માર્ગદર્શન આપતા કલેકટરએ, સંદેશા વ્યવહાર સહિત વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તાકીદ કરતા, જિલ્લામા ચોમાસા દરમિયાન નોંધાતા જાનમાલની નુકશાન બાબતે સમયસર ત્વરીત કામગીરી હાથ ધરવાની પણ સૂચના આપી હતી.



સરેરાશ 1800 થી 2000 મી.મી. વરસાદ ધરાવતા ડાંગ જિલ્લાના જંગલ અને પહાડી વિસ્તારોમા ચોમાસાના ભારે વરસાદ કે વાવાઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થાય તેવી ઘટના સર્જાઈ, તો આકસ્મિક સ્થળાંતર, બચાવ અને રાહત કામગીરી, જરૂરી દવા અને તબીબી સેવાઓ, અનાજ પુરવઠો, વાહન વ્યવહાર સહિતની પ્રાથમિક સેવાઓ ખોરવાઈ નહી તેની વિશેષ તકેદારી દાખવવાની પણ અપીલ કરી હતી.



ચોમાસામા ડાંગ જિલ્લાનુ સોંદર્ય જ્યારે પૂરબહારમા ખીલી ઉઠે છે ત્યારે, અહીંના ધોધ અને પર્યટનો સ્થળોએ પ્રકૃતિ પ્રેમી પર્યટકોની ભારે ભીડ ઉમટી પડતી હોય છે. તેવા સમયે ફોટોગ્રાફી અને સેલ્ફીની ઘેલછામા, કેટલાક પ્રવાસીઓ પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા હોય છે, અને આડેધડ પાર્કિગ કરવાને લીધે જાહેર વાહન વ્યવહાર પણ અવરોધાતો હોય છે.



આવી સ્થિતિનુ નિર્માણ ન થાય તે માટે સુચારૂ પોલીસ બંદોબસ્ત ગોઠવવા સાથે, લો લેવલ કોઝ-વે કે માર્ગો ઉપર ફરી વળતા વરસાદી પૂરને કારણે કોઈ અનિચ્છત ઘટના ન બને, તેની તકેદારીના ભાગરૂપે જરૂરી સિકયોરિટી ગાર્ડની સેવા ઉપલબ્ધ રાખવાની પણ કલેકટરએ સૂચના આપી હતી.



ભારે વરસાદ કે વાવાઝોડાને પગલે પ્રજાકિય જાનમાલના નુકશાન વેળા ચૂકવાતી સહાય, કેશડોલ્સની કામગીરી સહિત ગ્રામીણ કર્મચારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, સ્વૈચ્છીક-સામાજિક સંસ્થાઓની ભૂમિકા સુનિશ્ચિત કરવાની હિમાયત પણ કલેકટરએ કરી હતી.


દરમિયાન નિવાસી અધિક કલેકટર પી.એ.ગાવિતે તા.1લી જુન 2022થી જિલ્લાનો કંટ્રોલરૂમ (02631-220347) રાઉન્ડ ધ ક્લોક કાર્યરત કરવા સાથે, રજે રજની માહિતી કંટ્રોલરૂમમા નોંધાવવાની, સંબંધિત અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે ડિઝાસ્ટર સંબંધિત લાયઝન અધિકારીઓની નિમણૂક, ઈમરજન્સી કીટ, સરકારી વાહનો જેવા મુદ્દે પણ વિસ્તૃત સમજ પૂરી પાડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application