અધિક જિલ્લા આરોગ્ય અધિકારી વિભાગ દ્વારા આજદિન સુધી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ”ના કુલ-૮૩ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનો અપાયો લાભ, ૨૧ લાભાર્થીઓની અરજી મંજૂરી પ્રક્રિયા હેઠળ નર્મદા જિલ્લા કલેક્ટરના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગરીબ પરિવારો તેમજ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે તે માટે જિલ્લા વહિવટીતંત્રના તમામ વિભાગો દ્વારા સરાહનીય કામગીરી થઇ રહી છે.
રાજપીપલાના ટેકરા ફળિયા વિસ્તારના “નોંધારાનો આધાર પ્રોજેક્ટ”ના લાભાર્થી બચીબેન વસાવા અને રાધિકાબેન વસાવાને આરોગ્યલક્ષી બિમારીઓથી સુરક્ષા માટે આયુષ્માન કાર્ડથી લાભાન્વિત કરાયા છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલભાઈ ગામીતે પોતે લાભાર્થી બહેનોના નિવાસ સ્થાને આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ કરાવીને બહેનોને કાર્ડ (PM-JAY)ના લાભ વિશે જરૂરી માર્ગદર્શન અને કાર્ડનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે જરૂરી માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારશ્રી દ્વારા લોક કલ્યાણકારી વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી મળી રહ્યો છે.
સામાન્ય રીતે ગરીબ પરિવારોમાંથી કોઈ સભ્ય બિમાર પડે કે બિમારી ઘર કરી જાય ત્યારે આવી સ્થિતિમાં હોસ્પિટલનો ખર્ચો ચિંતાનો વિષય બની જતો હોય છે. મોટા ભાગે આવા પરિવારો ઘરેલુ ઇલાજનો સહારો લેતા હોય છે. ઘણીવાર ઘરેલુ ઇલાજ અસરકારક સાબિત થતો નથી અને યોગ્ય ઇલાજના અભાવના કારણે ઘરમાં દુ:ખનું વાતાવરણ ઉભુ થઈ જતુ હોય છે. ડૉ.વિપુલ ગામીતે વધુમાં જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આરોગ્ય વિભાગની ટીમ તેમજ અન્ય વિભાગો સરાહનીય કામગીરી કરી રહ્યાં છે.
રાજપીપલામાં આયુષ્માન કાર્ડ માટે ૧૩૩ લાભાર્થીઓની નોંધણી થયેલ છે. જેમાંથી ૮૩ લાભાર્થીઓને આ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. તેમજ ૨૧ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડની સુવિધા મળી રહે તે સંદર્ભની કામગીરી મંજૂરી પ્રક્રિયા હેઠળ છે. સરકારની તમામ યોજનાઓ શ્રેષ્ઠ જ છે. પરંતુ વિવિધ યોજનાઓમાંથી કોઈ એક યોજનાની પસંદગી કરવામાં આવે અને તેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન કાર્ડ) હોય તો કોઈ નવીનતા નથી.
કારણ કે, સામાન્ય વર્ગના પરિવાર રૂપિયાના અભાવના કારણે મોટા અને ખાનગી હોસ્પિટલમાં ઇલાજ કરવાથી બચે છે, તથા ઇલાજ કરાવવો અશક્ય હોય છે. એવી સ્થિતિમાં આ યોજના થકી સામાન્ય પરિવારને રૂપિયા ૫ લાખ સુધીની આરોગ્યલક્ષી સહાય જો આયુષ્માન કાર્ડ દ્વારા મળતી હોય તો આ યોજના ખરેખર ગરીબ પરિવારો માટે વરદાન સમાન છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500