સત્તા હાંસલ કર્યા બાદ કેટલાક નેતાઓ પણ ફોર્મ આવી જતા હોય,પોતાના ચહેરા વાળા પોસ્ટર, ગામના સર્કલ, બસ સ્ટોપ તેમજ નામની તખ્તી સાથેના બાકડાઓ ગામે-ગામે ગોઠવી પોતે એક સારા નેતા હોવાના દેખાડો કરતા હોય,જોકે પ્રજા આવા નેતાઓને ખુબસારી ઓળખી ગઈ છે. આવા નેતાઓની કામગીરી જયારે પણ પ્રજા વિરોધી હોય ત્યારે-ત્યારે એક અવાજ બનીને જાગ્રત લોકોએ વિરોધ નોંધાવ્યો છે.આવું જ કંઇક બુહારી ગામમાં જોવા મળ્યું છે. આપને અહીં એ પણ જણાવી દઈએ છીએકે,બુહારી ગામને સ્માર્ટ વિલેજનો દરજ્જો મળ્યો છે.
મારામારી થતા પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો
વાલોડના બુહારીમાં આવેલ આદિવાસી એકતા સર્કલ પર શુક્રવારની રાત્રે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના ફોટા સાથે નિવાસ સ્થાન અંગેનું સૂચક બોર્ડ (પોસ્ટર) મૂકવાને લઇ વિવાદ સર્જાયો હતો. કારણ કે,આ સર્કલ પર આદિવાસીઓના મસીહા એવા ભગવાન બિરસામુંડાજીની પ્રતિમા પહેલાથી જ મુકવામાં આવેલ છે, જોકે તેની બિલકુલ બાજુમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાનો ફોટા સાથે બોર્ડ (પોસ્ટર) મુકવામાં આવતા સ્થાનિક આદિવાસીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. જેને લઇ બુહારીમાં વાતવરણ તંગ બન્યું હતું, મારામારી થતા પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. જિલ્લા ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી આવ્યા હતા.
ધારાસભ્યના ફોટો સાથેનું બોર્ડ ભગવાન બિરસામુંડાની પ્રતિમા પાસે નહીં લગાવવા સમજાવવા ગયા હતા
વાત જાણે એમ છે,૧૭૦ મહુવા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અને સતત બે ટર્મથી ચુંટાઈ આવતા ધારાસભ્ય મોહન ઢોડિયાનો ફોટા સાથે નિવાસ સ્થાન અંગેનું સૂચક બોર્ડ (પોસ્ટર) વાલોડના બુહારીમાં આવેલ આદિવાસી એકતા સર્કલ પર મૂકવામાં આવ્યું હતું,આ સર્કલ પર ભગવાન બિરસામુંડાજીની પ્રતિમા પહેલાથી હોય કાર્તિકકુમાર સહિત આદિવાસી સમાજના કેટલાક યુવકો ધારાસભ્યના ફોટો સાથેનું બોર્ડ પ્રતિમા પાસે નહીં લગાવવા સમજાવવા ગયા હતા,તે દરમિયાન દીગેન્દ્રકુમાર ઢોડીયા,મીનેશભાઈ પટેલ અને શશીકાંત પટેલ ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ જઈ સમજાવવા ગયેલા કાર્તિકકુમાર ચૌધરી નામના યુવક પર તૂટી પડી ગાળો બોલી, ઢીકામૂકીનો મારમાર માર્યો હતો,જેને લઇ ગામનું વાતાવરણ ગરમાયું હતું, જોતજોતામાં બુહારી ગામના આદિવાસી એકતા સર્કલ પર લોકોની ભારે ભીડ એકઠી થઇ ગઈ હતી. બીજી તરફ કાર્તિકકુમારને ગંભીર હાલતમાં ઈમરજન્સી સેવા ૧૦૮ની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જેનો એક વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પરિસ્થિતિને પારખી ગયેલી પોલીસે મોડેમોડે પણ ગુનો નોંધ્યો
બુહારીમાં આવેલ આદિવાસી એકતા સર્કલ પર ભગવાન બિરસામુંડાજીની પ્રતિમાની બાજુમાં ધારાસભ્ય મોહન ઢોડિયાનો ફોટા સાથે નિવાસ સ્થાન અંગેનું સૂચક બોર્ડ (પોસ્ટર) મૂકવાને લઇ સ્થાનિકો આદિવાસીઓનો ભારે વિરોધ જોતા પરિસ્થિતિને પારખી ગયેલી પોલીસે મોડેમોડે પણ કાર્તિકકુમાર જશવંતભાઈ ચૌધરી રહે,દાદરિયા ગામ મંદિર ફળિયું તા.વાલોડ નાની ફરિયાદના આધારે ત્રણ હુમલાખોર યુવકો વિરુદ્ધ આઈપીસીની કલમ 3૨૩,૫૦૪,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નેતાજીના પુત્ર સહિત બે સામે ગુનો નોંધાયો, ફિર ભી ઝુકેગા નહીં સાલા !
ત્રણેય હુમલાખોરો ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના ગામ જ છે ત્રણ પૈકી એક ધારાસભ્ય મોહનભાઈનો પુત્ર જયારે બીજો મહિલા સરપંચનો પતિ છે તેમજ ત્રીજો ગામની દૂધ મંડળીનો ઓપરેટર હોવાનું જાણવા મળ્યું છે. ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ ગુનો નોંધાયો તેમછતાં બુહારી ગામના આદિવાસી એકતા સર્કલ પર ધારાસભ્ય મોહન ઢોડિયાનો ફોટા સાથે નિવાસ સ્થાન અંગેનું સૂચક બોર્ડ (પોસ્ટર) મૂકવામાં આવ્યું છે,વિરોધ બાદ ભગવાન બિરસામુંડાની પ્રતિમાની બાજુમાંથી બોર્ડ કાઢી સર્કલ બહાર મુકવામાં આવ્યું છે.
હુમલાખોરો કોણ છે ?? એક નજર કરીએ
- ધારાસભ્ય મોહન ઢોડિયાનો પુત્ર દીગેન્દ્રકુમાર મોહનભાઈ ઢોડીયા
- અંધાત્રી ગામના મહિલા સરપંચનો પતિ મિનેશભાઈ જીવનભાઈ પટેલ
- અંધાત્રી ગામના દૂધ મંડળીનો ઓપરેટર, શશિકાંત ઉત્તમભાઈ પટેલ તમામ રહે, અંધાત્રી ગામ તા.વાલોડ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500