Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આગામી તારીખ 1 એપ્રિલથી વીજળી મોંઘી થવાની સંભાવના

  • March 28, 2023 

મુંબઈ સહિત મહારાષ્ટ્રનાં વીજ ગ્રાહકો પર આગામી તારીખ 1 એપ્રિલથી અમલમાં આવે તે રીતે વીજ દરોમાં વધારો તોળાઈ રહ્યો છે. વીજ કંપનીઓ વીજ દર વધારાની મંજૂરી માગતી દરખાસ્તો મહારાષ્ટ્ર સ્ટેટ ઈલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન સમક્ષ રજૂ કરી છે. આ દરખાસ્તો અંગે શુક્રવારે નિર્ણય આવી શકે છે. જોકે, અનેક નાગરિક સંગઠનો તથા ઉદ્યોગ વેપાર જંગતના એસોસિએશનો, ચેમ્બર ઓફ કોમર્સ સહિત આગેવાનોએ આ પ્રસ્તાવિત વીજ દર વધારા સામે વિરોધ નોંધાવ્યો છે. વીજ કમિશન સમક્ષ આ દરખાસ્તનો વિરોધ કરતી રજૂઆતો પણ મોકલાઈ હોવાનું જાણવા મળે છે. 






મુંબઈનાં અનેક ભાગો ઉપરાંત મહારાષ્ટ્રમાં વીજ વિતરણ કરતી સરકારી કંપની મહાવિતરણ દ્વારા વીજ દરોમાં આશરે 10થી 20 ટકાનો ભાવ વધારો માગવામાં આવ્યો હોવાનું કહેવાય છે. જોકે, મહા વિતરણના સૂત્રો મૂળ દરખાસ્ત બહુ ઓછા વધારાની હોવાનો દાવો કરી રહ્યા છે. તાજેતરમાં બજેટ સત્ર દરમિયાન રાજ્યનાં ઊર્જા ખાતાંનો હવાલો સંભાળતા નાયબ મુખ્ય પ્રધાને પણ ખાતરી આપવી પડી હતી કે વીજ દર વધારો બહુ તાર્કિક મર્યાદામાં જ લાગુ કરાશે. ગ્રાહક સંગઠનોના જણાવ્યા અનુસાર વીજ દર વધારામાં નવી દરખાસ્તોથી યુનિટ દીઠ અઢી રુપિયાનો બોજ વધે તેમ છે.







જોકે, મહાવિતરણનાં સૂત્રોના દાવા અનુસાર યુનિટ દીઠ એક રૂપિયા સુધીનો જ ભાવ વધારો થશે. કોઈપણ સંજોગોમાં લોકોએ વીજ દરમાં વધારા માટે તૈયાર રહેવું પડશે એ નિશ્ચિત મનાય છે. બીજી તરફ આ દરખાસ્તો સામે રજૂઆતોનો ઢગલો થયો છે. ભિવંડી તથા નવી મુંબઈની વિવિધ ઔધોગિક વસાહતો, પુણે ચેમ્બર ઓફ કોમર્સ, નાશિકના ઉદ્યોગ સંગઠનો સહિત રાજ્યભરનાં ઉદ્યોગ સંગઠનોએ આ વીજ દર વધારાની દરખાસ્તોનો વિરોધ કર્યો છે. ઉદ્યોગ સંગઠનોના જણાવ્યા અનુસાર બે વર્ષનાં લોકડાઉન બાદ હજુ ઉદ્યોગોની ગાડી પાટે ચઢી નથી. છેલ્લાં બે વર્ષમાં પેટ્રોલ તથા કુદરતી ગેસના ભાવોમાં પણ બહુ વધારો થયો છે. લોનના દરો પણ વધ્યા છે. આ સંજોગોમાં વીજ દર વધારાથી તેમની નફાકારકતા પર પ્રતિકૂળ અસર થશે. વીજ વિતરણ આયોગ દ્વારા ગ્રાહકોની સુનાવણી થઈ ચુકી છે. હવે શુક્રવારે તે પોતાનો ચુકાદો જાહેર કરે તેવી અટકળો સેવાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News