Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આણંદ શહેરનાં બે વિસ્તારોમાંથી કોલેરાનાં પોઝિટિવ કેસ મળતા આસપાસનાં 10 કિ.મી. વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરાયા

  • June 23, 2024 

ખેડા જિલ્લા બાદ હવે આણંદમાં કોલેરાનો રોગચાળો વકર્યો છે. આણંદ શહેરના બે વિસ્તારોમાંથી કોલેરાના પોઝિટિવ કેસ મળતા આસપાસના 10 કિ.મી. વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. દરમિયાન શનિવારે આણંદ શહેરની ગણેશ ચોકડી વિસ્તારમાંથી કોલેરાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. શનિવારે આરોગ્ય તંત્ર તથા આણંદ નગરપાલિકાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ખાણીપીણીની લારીઓ ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખીણીપીણીના રાત્રિ બજારો ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી છે. આણંદ શહેરના બાલુપુરા તથા તાસ્કંદ કુમારશાળા નજીકમાંથી કોલેરાના બે પોઝિટીવ કેસો મળી આવ્યા છે.


ત્રણેક દિવસ અગાઉ આ વિસ્તારની 7 વર્ષીય બાળા અને 65 વર્ષીય વૃદ્ધાંને સારવાર અર્થે દાખલ કરવામાં આવતા સેમ્પલ લેવામાં આવ્યા હતા. શુક્રવારે તેનો રીપોર્ટ કોલેરા પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. બંને દર્દીઓ સ્વસ્થ બનતા દવાખાનામાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે અન્ય ચાર દર્દીઓ શંકાસ્પદ હોવાનું જાણવા મળ્યું હતું. દરમિયાન શનિવારે તે પૈકીના ગણેશ ચોકડી વિસ્તારના બે દર્દીઓના રિપોર્ટ પોઝીટીવ આવતા કોલેરાના કુલ કેસનો આંક-4 ઉપર પહોંચ્યો છે. શહેરમાં કોલેરાના કેસો જોવા મળતા આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. લગભગ 20 હજાર જેટલી વસતી અસરગ્રસ્ત હોવા સાથે કુલ 41 જેટલા ઝાડા-ઉલટીની અસરવાળા દર્દીઓ નોંધાયા હતા. જે પૈકી હાલ સાત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


કોલેરાના કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગની 25 ટીમો દ્વારા સર્વેની કામગીરી તેજ કરવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીનની ટેબ્લેટો તથા ઓઆરએસના પેકેટનું વિતરણ કરાઈ રહ્યું છે. સાથે સાથે 136 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 64 જેટલા કેસ નેગેટીવ આવ્યા છે. સાથે સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પાણીના પાંચ સેમ્પલ લેવાયા છે અને 12 જેટલા સ્થળોએ લીકેજ હોવાનું પણ જાણવા મળ્યું છે. આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા શનિવારે શહેરના જુના બસ મથક વિસ્તાર, ગામડી વડ, ગણેશ ચોકડી, અમૂલ ડેરી રોડ, ટાઉનહોલ સહિતના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી શેરડી રસના કોલા, શરબત સેન્ટરો, બરફની લારીઓ, પાણીપુરી સહિત ખાણીપીણીની લારીઓ બંધ કરાવવામાં આવી હતી.  સાથે સાથે વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરી બીનઆરોગ્યપ્રદ ખોરાકનો નિકાલ કરવામાં આવ્યો હતો. જોકે શહેરના 100 ફૂટ રોડ, સામરખા ચોકડી, જીટોડિયા રોડ પર ખાણીપીણીની લારીઓ ધમધમતી જોવા મળતા પાલિકાની બેવડી નીતિ સામે કેટલાક વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application