કેન્દ્ર અને રાજ્ય સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા પોષણ અંગે જનજાગૃતિ ફેલાવવા સપ્ટેમ્બર માસની "પોષણમાહ"ના રૂપમાં ઉજવણી થઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા ‘કુપોષણમુક્ત ગુજરાત’ની નેમ સાથે આંગણવાડીના બાળકો, સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પોષણક્ષમ પૂરક આહાર પૂરો પાડવા ‘ટેક હોમ રાશન’ યોજના અમલી બનાવાઈ છે. આ યોજનામાં ઘઉં, બેસન, સોયાબિન લોટ, ખાંડ, તેલ, મકાઈ, ચોખા અને વધારાના પોષકતત્વોનો સમાવેશ કરી બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણાશક્તિના પેકેટ તૈયાર કરી સગર્ભા, પ્રસૂતા, બાળકો અને કિશોરીઓને આપવામાં આવે છે. રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત ‘પોષણ માહ’માં સગર્ભા મહિલાઓ, પ્રસૂતા કિશોરીઓ અને કુપોષિત બાળકોને પૂરક પોષણ આહાર પૂરો પાડવા દૂધ સંજીવની, પી.એમ માતૃશક્તિ અને પોષણ સુધા યોજના જેવી વિવિધ યોજનાઓનો પણ બહોળો લાભ અપાઈ રહ્યો છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકા મથકે રહેતા ૩૫ વર્ષીય જાગૃતિબેન રામપરિયા સગર્ભા છે. બે દીકરીઓના માતા જાગૃતિબેનને સગર્ભાવસ્થા દરમિયાન આંગણવાડીમાંથી ઉપલબ્ધ થઇ રહેલા ટેક હોમ રાશન અંતર્ગત પોષણ આહારનો લાભ લઈ રહ્યા છે. ટેક હોમ રાશન યોજના વિષે તેમણે કહ્યું કે, માતૃશક્તિ પેકેટમાંથી બનાવેલી સ્વાદિષ્ટ અને પોષણયુક્ત વાનગીઓના નિયમિત સેવનથી હું દિવસ દરમિયાન ઉર્જા અને સ્ફૂર્તિનો અનુભવ કરૂ છું. શરૂઆતથી જ મળતી દૂધ સંજીવની યોજનાનો લાભ લેવાથી મારા ગર્ભસ્થ બાળકને પણ સંપૂર્ણ પોષણ મળી રહ્યું છે. આંગણવાડીની બહેનો દ્વારા જરૂરી માર્ગદર્શન અને સહકાર આપવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યુ કે, આંગણવાડીમાં દર મહિનાના પ્રથમ મંગળવારે આરોગ્યની તપાસ થાય છે.
પોષણ સુધા યોજનામાં મળતા પૌષ્ટિક આહારને કારણે ગર્ભાવસ્થા દરમિયાન શરીરને જરૂરી તમામ પોષકતત્વોનું યોગ્ય પ્રમાણ જળવાઈ રહે છે. આ યોજનાનો લાભ ઘરઆંગણે આપવા બદલરાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, ૬ માસથી ૩ વર્ષ સુધીના બાળકો, ૩ વર્ષથી ૬ વર્ષ સુધીના ઓછા વજનવાળા બાળકોને બાલશક્તિ યોજના અને સગર્ભા, ધાત્રી માતાઓને માતૃશક્તિ યોજના હેઠળ તેમજ કિશોરીઓને પૂર્ણક્તિ યોજના હેઠળ પોષકતત્વોયુક્ત પેકેટ્સ ‘ટેકહોમ રાશન’ તરીકે આપવામાં આવે છે. આ યોજનાથી રાજ્યના લાખો બાળકો-સગર્ભા-ધાત્રી માતાઓ-કિશોરીઓને સુપોષણ મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500