Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સપ્ટેમ્બર માસ: ‘પોષણ માહ’ : કુપોષિત બાળકોને સુપોષિત બનાવતી રાજ્ય સરકારની બાલશક્તિ યોજના

  • September 23, 2023 

ગુજરાતને સુપોષણયુક્ત બનાવવાનો સંકલ્પ સિદ્ધ કરવા માટે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસને ‘પોષણ માહ’ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્યની સગર્ભા મહિલાઓ, પ્રસૂતા માતાઓ, કુપોષિત બાળકો અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા અને જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ સહ કાર્યરત આ યોજનાની વર્ષ ૨૦૨૩ની થીમ 'સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત' છે. પોષણ અભિયાનથી દેશના પ્રત્યેક ઘરોમાં બાળકોની તંદુરસ્તી સુનિશ્ચિત કરવાના અવિરત પ્રયાસો થઈ રહ્યા છે. કહેવાય છે કે, પહેલું સુખ તે જાતે નર્યા. બાળકના શારિરીક અને માનસિક વિકાસથી લઈને ઉંમરના દરેક પડાવ પર તંદુરસ્તીની ચાવી એટલે પોષણ. એટલે જ તો સગર્ભા સ્ત્રીઓને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. કુપોષિત બાળકોને સુપોષિત બનાવતી રાજ્ય સરકારની બાલશક્તિ યોજનાએ કામરેજ તાલુકાના લસકાણા ગામના ભરતભાઈ પટેલના જોડીયા બાળકોને તંદુરસ્તી બક્ષી છે.



ખાસ કરીને ટેક હોમ રાશનથી બનતા 'ખજૂર સિંગના લાડું' બાળકો અને માતા માટે સ્વાદ, પોષણ અને સ્વાસ્થ્યના સંગમ સમાન બન્યા છે. મૂળ મહેસાણાના અને વર્ષોથી સુરતના લસકાણામાં રહેતા લાભાર્થી ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે મારે ત્યાં જોડીયા બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં એક બાળકનું વજન બે કિલોગ્રામ અને બીજાનું ૧.૮૦૦ કિલોગ્રામ જ હતું. બાળકના જન્મ સમયે ખૂબ જ ઓછું વજન હોવાથી પરિવાર ચિંતાતૂર બની ગયો હતો. એક સાથે બે બાળકોની કાળજી રાખવી ખૂબ જ જરૂરી હતી. મારી પત્નીની પ્રસૂતિ બાદ ઘર નજીકની આંગણવાડીની બહેનોએ સરકારની વિવિધ યોજનાની માહિતી સાથે બાલશક્તિ યોજનાની સમજ આપી હતી. બાળકોનું ઓછું વજન હોવાથી આંગણવાડીની બહેનોના માર્ગદર્શન હેઠળ બંન્ને બાળકોને ઘરે કાંગારૂ મધર કેર ટ્રીટમેન્ટ શરૂ કરી હતી. સમય જતા જે પરિણામ મળ્યું તે આશ્ચર્યજનક હતું.



બાળકનું વજન નિયમિતપણે વધવા લાગ્યું અને શારીરિક સાથે તેમનો માનસિક વિકાસ પણ સારો જણાયો. વધુમાં ભરતભાઈએ જણાવ્યું કે, આઇસીડીએસ(ICDS)ની યોજના હેઠળ બાળકોના વજન અને ઊચાઇની તમામ વિગત આંગણવાડી કાર્યકર દ્વારા ‘પોષણ ટ્રેકર’ એપ્લિકેશનમાં નોંધવામાં આવે છે. સરકાર દ્વારા ટેક હોમ રેશન (ટીએચઆર)આપવામાં આવ્યું હતું. જેમાં એક બાળક દીઠ બાલશક્તિના સાત પેકેટ આપવામાં આવ્યા હતા. અમે તેઓના સૂચન પ્રમાણે ઘરે નિયમિત બાળકોને સંપૂર્ણ પોષક આહાર આપતા તેનું પરિણામ ધાર્યા કરતા ઉત્સાહજનક મળ્યું. પેકેટમાંથી રાબની સાથે શીરો બનાવીને ખવડાવતા એટલે બાળકનું વજન ધીરે ધીરે વધવા લાગ્યું. આ જ પ્રમાણે સંપૂર્ણ કાળજી રાખવામાં આવતા ૯ માસમાં બન્ને બાળકો સામાન્ય ગ્રેડમાં આવી ગયા હતા. સાથોસાથ નિયમિત આયર્ન, સિરપ, કૃમિ કેલ્શિયમ દવા આપવામાં આવે છે. નિયમિત આરોગ્ય તપાસ પણ કરાય છે.



બાલશક્તિમાંથી બનાવેલી વાનગીઓ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક હોવાથી મારા બન્ને બાળકોનું વજન વધ્યું છે તેની ખુશી છે. મારા પત્નીએ સગર્ભાવસ્થાની શરૂઆતથી જ આંગણવાડીમાંથી યોગ્ય માર્ગદર્શનની સાથે ટેક હોમ રાશનનો લાભ મેળવ્યો હતો. પોષણ અભિયાન અંતર્ગત બાલશક્તિ પેકેટમાંથી પોષણયુક્ત અને સ્વાદિષ્ટ 'ખજૂર સિંગના લાડું' ઉત્તમ પૂરક આહાર છે. આમ, લસકાણાના ભરતભાઈના બંન્ને બાળકોને જન્મ પછી મળી રહેલા પૂરક પોષણને કારણે બાળકોની તંદુરસ્તી જળવાઈ રહી હોવાથી તેમણે રાજ્ય સરકાર તેમજ આંગણવાડીની બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, ૬ માસથી ૩ વર્ષ સુધીના બાળકો, ૩ વર્ષથી ૬ વર્ષ સુધીના ઓછા વજનવાળા બાળકોને બાલશક્તિ યોજના અને સગર્ભા, ધાત્રી માતાઓને માતૃશક્તિ યોજના હેઠળ તેમજ કિશોરીઓને પૂર્ણક્તિ યોજના હેઠળ પોષકતત્વોયુક્ત પેકેટ્સ ‘ટેકહોમ રાશન’ તરીકે આપવામાં આવે છે. આ યોજનાથી રાજ્યના લાખો બાળકો-સગર્ભા-ધાત્રી માતાઓ-કિશોરીઓને સુપોષણ મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application