ભાજપે 26માંથી 26 બેઠકો જીતવા માટે ચાલુ કરેલું ઓપરેશન લોટસ અટકવાનું નામ લેતું નથી અને ગુજરાતમાં કોંગ્રેસ રોજ તૂટતી જાય છે. સિંગલ ડિજિટ પર કોંગ્રેસને લાવી દેવાના પાટીલના સપનાં પૂરાં થાય તો નવાઈ નહીં. જામનગરમાં પૂનમબેન માડમના કટ્ટર હરિફ અને આહીર સમાજના અગ્રણીએ આજે કોંગ્રેસ છોડી દેતાં પૂનમ માડમ રાજીના રેડ થયા છે. હવે તેમના જીતના સમીકરણો માંડવાના શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના એક સમયના લોકસભાના ઉમેદવારે પાર્ટી છોડી દીધી છે. કોંગ્રેસની માઠી દશા બેઠી છે. જામનગરમાં કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.
કોંગ્રેસના વધુ એક આહિર અગ્રણીએ પાર્ટી છોડી દીધી છે. આહિર અગ્રણી મૂળુભાઈ કંડોરિયા ભાજપમાં જોડાશે. ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર હતા. જેઓ પૂનમબેન માડમ સામે ચૂંટણી લડયા હતા. દ્વારકા-કલ્યાણપુર પંથકના આહિર અગ્રણી એવા મૂળુ કંડોરિયા વિધાનભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. મૂળુ કંડોરિયાના ભાજપ પ્રવેશથી પૂનમ માડમને ફાયદો થશે. મુળુભાઈ આર. કંડોરિયા એ શિક્ષિત છે. આહિર સમાજના અગ્રણી, જુદી-જુદી સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રતિનિધિત્વ ધરાવે છે. જેઓએ કલ્યાણપુર, દ્વારકા, ખંભાળિયા, જામનગરમાં અગ્રણી સામાજિક કાર્યકર તરીકે સમુહ લગ્નના કાર્યક્રમો યોજ્યા છે.
સામાજિક કુરિવાજો દૂર કરવામાં વિશેષ યોગદાન આપ્યું છે. જામનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને જિલ્લા કોંગ્રેસમાં વર્ષોથી સક્રિય હોવાને લીધે વિશાળ લોકસંપર્ક ધરાવે છે. જેઓએ કોંગ્રેસને અલવિદા કરી દેતાં ભાજપને મોટો ફાયદો થયો છે. મૂળુભાઈ એ ધનપતિ હોવાની સાથે આહીર સમાજમાં દબદબો ધરાવતા હોવાથી કોંગ્રેસે પૂનમબેન માડમ સામે લોકસભા લડાવી હતી. જેમાં તેમની હાર થઈ હતી. આ સિવાય 2022માં પણ તેઓ દ્વારકા સીટ પરથી પબુભા માણેક સામે ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમની હાર થઈ હતી. આમ 2 વાર હાર છતાં કોંગ્રેસમાં એમનો દબદબો યથાવત હતો.
આમ છતાં તેમને કોંગ્રેસ છોડી દેતાં ભાજપને મોટી રાહત થઈ છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રદેશ પૂર્વ પ્રમુખ અને પોરબંદર કોંગ્રેસના MLA પદેથી અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યુ હતુ. આ સાથે રાજુલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પણ રાજીનામું આપ્યુ છે. આ બંને નેતાઓએ જાન્યુઆરીમાં કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનુ આમંત્રણ ઠુકરાવ્યું હતું. ત્યારે પાર્ટીના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો. તો ગઈકાલે નવાસરી કોંગ્રેસના ધર્મેશ પટેલે પણ કોંગ્રેસનો હાથ છોડ્યો હતો. ધર્મેશ પટેલ 2019માં નવસારીથી પાટીલની સામે લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500