અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રહેતા એક વેપારીને રોકાણની સામે 25થી 35 ટકાનું ગેંરટેડ રીટર્ન આપવાની ખાતરી આપીને 19.50 કરોડની માતબર રકમનું રોકાણ કરાવીને મૌનેશ શાહ નામના ચાર્ટડ એકાઉન્ટન્ટ અને તેના પરિવારજનોએ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પાલડી પોલીસ મથકે નોંધવામાં આવી છે. વેપારીએ રોકાણના નાણાં પરત માંગતા ચાર્ટડ એકાઉન્ટન્ટે તેને નાણાં આપવાની ના કહીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
આ કેસની તપાસમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. પાલડીમાં આવેલા ધ એડ્રેસ એપાર્ટમેન્ટમાં રહેતા અશ્વિનભાઇ મહેતાએ પાલડી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે, વર્ષ-2021માં તેમના પુત્ર અક્ષય મહેતાના પરિચિત અને બેંકમાં નોકરી કરતા એક વ્યક્તિ દ્વારા ચાર્ટડ એકાઉન્ટન્ટ મૌનેશ શાહ (રહે.ગિરિકંદ્રા, રંગકુજ સોસાયટી, નારણપુરા) સાથે પરિચય થયો હતો. મૌનેશે અક્ષયને જણાવ્યું હતું કે, તે અમદાવાદનો ખ્યાતનામ સીએ છે.
જે પોતાના પિતા ભાવિનભાઇ શાહ, પત્ની દિશા, માતા અને કાકા અલ્પેશ શાહ અને કાકી સોનલબેન શાહ (રહે.સવોદય સોસાયટી, ઘાટલોડિયા) સાથે મળીને શ્રીજી ફાઇનાન્સ નામની પેઢી ધરાવે છે. આ પેઢીમાં રોકાણ માટેના વિવિધ પોર્ટફોલિયો ધરાવીને 25થી 35 ટકા સુધીનું વળતર અપાવે છે. જેથી વિશ્વાસ આવતા અશ્વિનભાઇ અને તેમના પુત્ર અક્ષયને મૌનેલે રોકાણ માટેનું પ્રેઝન્ટેશન બતાવ્યું હતું.
જે પછી ઓક્ટોબર 2020થી મે 2021 દરમિયાન અશ્વિનભાઇ અને તેમના પરિવારના સભ્યોએ કુલ 19.50 કરોડનું રોકાણ કરાવ્યું હતું. પરંતુ, તેણે રોકાણ બાદ પણ મૌનિલે તેમને વળતર આપ્યું નહોતું. જેથી અશ્વિનભાઇએ નાણાં પરત માંગ્યા હતા. પરંતુ મૌનેશે જણાવ્યું હતું કે, તે તેમણે જે સ્થળે નાણાં રોક્યા હતા. ત્યાં નાણાં ફસાઇ ગયા છે. જે રીકવર થતા નાણાં પરત આપી દેશે. આ નાણાં પરત લેવા માટેની પ્રોસેસ માટે બીજા સાડા નવ લાખની રોકડ માંગી હતી. જે પછીના મહિનાઓ સુધી કોઇ જવાબ ન મળતા અશ્વિનભાઇએ નાણાં પરત માંગતા તેમને નાણાં આપવાની ના કરીને ખોટા કેસમાં ફસાવીને હાથપગ ભાંગી નખાવાની ધમકી આપી હતી. ઘટના અંગે પાલડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે મૌનેશે સહિત 6 લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500