નવસારી-બારડોલી રોડના દંડેશ્વર પાટિયા નજીકના ઓણચી ગામની સીમમાં દેશી ગાયના ઘીના નામે બનાવટી ઘી બનાવતી ફેક્ટરી ઉપર નવસારી જિલ્લા એલસીબીની ટીમે છાપો મારી બે ભાઈઓને ઝડપી પાડી રૂપિયા 14.49 લાખનું નકલી ઘી અને અન્ય સાધન સામગ્રી મળી રૂપિયા 25.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લા એલ.સી.બી.નો સ્ટાફ બજારમાં નકલી ખાદ્યચીજોના વેચાણની ગેરકાયદે પ્રવૃત્તિને અટકાવવા માટે કાર્યવાહી કરી રહ્યો હતો.
તે વખતે બાતમી મળી હતી કે, નવસારી-બારડોલી રોડના દંડેશ્વર પાટિયા ઓણચીગામની સીમના એમ.આર ફુડ પ્રોડક્ટ કંપનીની પાછળ આવેલી શિવ ફુડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં સુખવંતના નામથી બનાવટી દેશ ગાયનું ઘી બનાવી બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે અંગે એલસીબી ટીમે શિવ ફુડ પ્રોડક્ટ નામની કંપનીમાં છાપો મારી કંપનીના સંચાલક વિકી રાજેશભાઈ ચોખાવાલા (ઉ.વ.2) તથા તેના ભાઈ લવ રાજેશભાઈ ચોખાવાલા (ઉ.વ.23, બંને રહે. ફ્લેટ નંબર-904, રાશિ એલેક્સા એપાર્ટમેન્ટ, રાજહંશ કોરલની બાજુમાં નવસારી, મુળ રહે. ડીસા ગામ, જોગકૃપા સોસાયટી, તા. ડીસા, જિ.બનાસકાંઠા)નાંને ઝડપી પાડી કુલ રૂપિયા 3,133.98 કિલો ગ્રામ શંકાસ્પદ ઘી જેની કિંમત રૂપિયા 14,94,262 તથા પામોલીન તેલનો જથ્થો અને નકલી ઘી બનાવવાની સાધન સામગ્રી મળી કુલ કિંમત રૂપિયા 25,12,698/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ બનાવટી દેશી ગાયના ઘી બનાવવાના કૌભાંડ અંગે એલસીબી એ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા તેના અધિકારીઓએ પ્રોસેસ મુજબના ઘીના સેમ્પલો લઈ તપાસણી અર્થે લેબોટરીમાં મોકલી આપ્યા હતા. બનાવ અંગે નવસારી રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500