અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસની લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે થલતેજ અને ઘુમામાં આવેલા પ્લેઝર ક્લબના એક ફાર્મ હાઉસ પર દરોડો પાડીને કુલ ૧૫ જુગારીઓને રૂપિયા ૨૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે શુક્રવારે રાતના બાતમીને આધારે થલતેજ લેડી તળાવ પાસે આવેલા એક મકાનમાં દરોડો પાડીને જુગાર રમી રહેલા સાત લોકોને ઝડપી લીધા હતા.
પોલીસે સ્થળ પરથી રૂપિયા ૪.૫૫ લાખની રોકડ, રૂપિયા ૧૭.૩૦ લાખની કિંમતની પાંચ કાર, અને મોબાઇલ ફોન સહિત કુલ રૂપિયા ૨૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પુછપરછમાં ઝડપાયેલા આરોપીઓના નામ ઘનશ્યામ પટેલ (રહે.શીલજ), દિનેશ ઠાકોર (રહે.વડસર), લાલાભાઇ ભરવાડ (રહે.હેબતપુર ગામ, બોડકદેવ), સુરેશ ભરવાડ (રહે.બોડકદેવ), મહેશ પટેલ (રહે.અંબિકા સોસાયટી, ઘાટલોડીયા), અમિત કડીયા (રહે.અંકિત સોસાયટી, ઘાટલોડીયા) અને મીત દરજી (રહે.નિર્ણય હોમ્સ, ગોતા) હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. અન્ય બનાવમાં અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફે ઘુમા પ્લેઝર ક્લબમાં આવેલા કલરવ ૮૪ નામના પ્લોટ પર આવેલા ફાર્મ હાઉસમાં દરોડો પાડીને મૌલિક પટેલ, ધુ્રવ પટેલ, જગદીશ પટેલ (તમામ રહે.બોપલ), ધવલ પટેલ, યશ પટેલ, નિલેશ પટેલ (તમામ રહે.ઘુમા) અને કિરણ પટેલ નામના વ્યક્તિઓને જુગાર રમતા ઝડપીને રોકડ સહિત પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા જુગારીઓ બિલ્ડીંગ કન્ટ્રક્શન અને દલાલ તરીકે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500