Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ પોલીસ હેડ કવાર્ટરની સામે આવેલ ફૂટપાથ ઉપર દારૂની મહેફીલ માંડનાર પોલીસ કર્મચારીઓ, માધવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુન્હો

  • October 13, 2024 

અમદાવાદ શહેરનાં શાહીબાગ સ્થિત પોલીસ હેડ ક્વાર્ટરમાં દશેરા નિમિત્તે પોલીસનો શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન રોડ ઉપર પોલીસની દારૂ મહેફિલનો વીડિયો વાયરલ થયો હતો. તપાસ બાદ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી એક પોલીસ કર્મચારી અને જે ફૂટપાથ ઉપર મહેફિલ પકડાઈ ત્યાં હેર કટિંગ સલૂન ચલાવતા શખ્સની ધરપકડ કરાઈ છે. ત્રણ પોલીસ કર્મચારીની શોધખોળ ચાલી રહી છે. અમદાવાદ શહેર પોલીસ હેડ કવાર્ટરની સામે જ આવેલી ફૂટપાથ ઉપર શનિવારે સવારના સમયે સરાજાહેર દારૂની મહેફીલ માંડનાર ચાર પોલીસ કર્મચારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. મોડી સાંજે માધવપુર પોલીસ સ્ટેશનમાં ચાર પોલીસ કર્મચારી અને હેર કટિંગ સલૂન ચલાવતા શખસ સામે ગુનો નોંધી બેની ધરપકડ કરવામાં આવી છે. સવારના સમયે પોલીસ હેડ કવાર્ટરમાં શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો.


સવારે 9 વાગ્યાના અરસામાં સિવિલ ડ્રેસમાં રહેલા 5 પોલીસ કર્મચારીઓ ફૂટપાથ ઉપર બાઈક પાર્ક કરીને ઊભા હતાં અને વચ્ચે વચ્ચે દારૂની ચૂસ્કી ભરતાં હોવાનો વીડિયો વાયરલ થયો હતો. દશેરાના દિવસે જ આવી ઘટના બનતાં પોલીસ કમિશનરે ત્વરિત તપાસ અને કાર્યવાહીના આદેશ કર્યા હતા. દારૂની મહેફિલ માંડનાર ચાર પોલીસ કર્મચારી એ.એસ.આઈ. વિનોદ ડામોર, કોન્સ્ટેબલ અમિતસિંહ ગોલ, હેડ કોન્સ્ટેબલ જુજારભાઈ પગી અને કોન્સ્ટેબલ રાજુ બારિયાનો સમાવેશ થાય છે. પાંચમા આરોપી તરીકે બાઈક ઉપર આવેલા અને મહેફિલ સ્થળે હેરક ટિંગ સલૂન ચલાવતા સંજય નાઈ દર્શાવાયાં છે. પાંચ આરોપી પૈકી એ.એસ.આઈ. વિનોદ ડામોર અને હેરક ટિંગ સલૂન ચલાવતાં સંજયની ધરપકડ કરાઈ છે. ત્રણ પોલીસ કર્મચારીની શોધખોળ ચાલી રહી છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારીના આદેશ છે.


ત્યારે આ પ્રકારે પોલીસ હેડ કવાર્ટરની સામે જાહેરમાં ફૂટપાથ ઉપર સવારના સમયે જ દારૂ પીતા ચાર પોલીસ કર્મચારીનો વીડિયો વાયરલ થતાં પોલીસની છબી સુધારવા થઈ રહેલાં પ્રયાસોને આંચકો લાગ્યો છે. નવી પોલીસ કમિશનર કચેરી કાર્યરત થઈ રહી છે તેની સામે જ બનેલી ઘટનામાં પકડાયેલાં પોલીસ કર્મચારીઓ સામે આકરાં પગલાં ભરવામાં આવે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. પ્રજાજનોમાં દારૂબંધીની કડક અમલવારીનો આદેશ કરવામાં આવે છે, પરંતુ પોલીસ કર્મચારીઓને જ દારૂ છોડાવવા મુદ્દે અધિકારીઓ મૌન સેવે છે.


અમદાવાદ શહેર પોલીસમાં ખાસ કરીને ડ્રાઈવરની નોંધપાત્ર ઘટ છે. એમ.ટી. સેક્શનમાં સતત 24 કલાકની નોકરી લેવાતી હોય છે. આ સંજોગોમાં પોલીસ કર્મચારીઓ નશામુક્ત જિંદગી જીવે તે દિશામાં પોલીસ તરફથી સામાજીક પ્રયાસો થતાં નથી તે મુદ્દો પણ ચર્ચાસ્પદ છે. પોલીસ હેડ કવાર્ટરની સામે હેડ કવાર્ટરના જ ચાર પોલીસ કર્મચારીઓ દારૂની મહેફીલ માણતા પકડાયાં તે પછી અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. પોલીસ હેડ કવાર્ટર પાસે જ દારૂ પહોંચતો થાય અને આસાનીથી સરાજાહેર મહેફીલ મંડાઈ તે કિસ્સા પછી તો છીંડે ચડ્યો તે ચોર બાકી મોજ જ મોજ હોવાની પણ ચર્ચા છે. થોડા સમય પહેલાં એક જ બેચના પી.આઈ. એકઠાં થયાં હતાં અને સંગીત સાથે મહેફીલ યોજાઈ હોવાની પણ ચર્ચા વેગવાન છે. અમુક અધિકારીઓ દ્વારા નિયમીતપણે યોજાતી દારૂની મહેફીલો પણ આ ઘટના પછી પોલીસ તંત્રમા ચર્ચામાં છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application