Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ પર બિભત્સ મેસેજ કરી અને વિડીયો કોલ કરતા વેપારીને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરાઈ

  • December 13, 2023 

સુરતનાં ડભોલી વિસ્તારમાં રહેતા વેપારીની પત્નીને વેપારીના મિત્રની પત્નીના નામે તેમજ વેપારીના અન્ય મિત્રના નામે અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ પર બિભત્સ મેસેજ કરી વિડીયો કોલ કરતા રેતી કપચીના અપરણિત વેપારીને સિંગણપોર પોલીસે ઝડપી લીધો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, રેતી કપચીનો વેપારી સગાસંબંધી અને મિત્ર વર્તુળની મહિલાઓ સાથે મહિલા બની આ કરતૂત કરતો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મૂળ બોટાદના વતની અને સુરતમાં ડભોલી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય વેપારીની પત્ની અંજલી (નામ બદલ્યું છે)ને ગત 25 નવેમ્બરના રોજ વ્હોટ્સએપ ઉપર અજાણ્યા નંબર પરથી હાય, હેલો તેવા મેસેજ આવ્યા હતા. અંજલીએ કોણ છે પૂછતાં તે વ્યક્તિએ પોતાની ઓળખ વેપારીના મિત્રની પત્ની સીમા (નામ બદલ્યું છે) તરીકે આપતા અને તેનો નંબર અંજલી પાસે નહીં હોય તેને સીમા સમજી વાત ચાલુ રાખી હતી.



જોકે, સીમા તરીકે ઓળખ આપી વાત કરનારે થોડીવારમાં બિભત્સ ચેટીંગ શરૂ કરતા વેપારી અને અંજલીને શંકા ગઈ હતી. સીમા તરીકે વાત કરનારે વ્હોટ્સએપ ઓડીયો અને વિડીયો કોલ પણ કર્યા હતા પણ અંજલીએ કોલ રિસીવ કર્યા ન હોતા બીજા દિવસે ફરી તેણે બિભત્સ મેસેજ કરતા અંજલીએ ફરી ઓળખ પૂછી તો તેણે વેપારીના એક મિત્રનો ફોટો મોકલી પોતે તે છે તેમ જણાવ્યું હતું. જોકે વેપારીએ તે મિત્ર સાથે ખરાઈ કરતા તે વ્યક્તિ કોઈ અન્ય હોવાની શંકા મજબૂત બની હતી. બાદમાં 27 અને 28ના રોજ તે વ્યકિતએ છ’થી સાત જુદા-જુદા નંબર પરથી વિડીયો કોલ કર્યા હતા પણ અંજલીએ રિસીવ કર્યા નહોતા. તારીખ 28મી એ મોડેથી એક વિડીયો કોલ આવતા તે ઊંચકી તેમાં એક વ્યક્તિનો ચહેરો નજરે ચઢતા તેનો સ્ક્રીન શોટ લીધો ત્યારે વેપારી તેને ઓળખી ગયા હતા. તે પાંચ વર્ષ અગાઉ તેની સાથે હીરામાં કામ કરતો કૌશલ કાકડીયા હતો.




ત્યારબાદ એક સામાજીક પ્રસંગમાં વેપારી સીમા અને તેના પતિને મળ્યા ત્યારે તેમણે જાણ થઈ હતી કે સીમાને પણ એક વ્યક્તિ આવા મેસેજ કરી પરેશાન કરે છે. આથી વેપારીએ કૌશલનું સરનામું શોધી તેના ઘરે પહોંચી વાત કરતા તેણે ગલ્લાં તલ્લાં કર્યા હતા પણ તેને સ્ક્રીનશોટ બતાવતા તે કોઈ જવાબ આપી શક્યો નહોતો. આ અંગે વેપારીએ સિંગણપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રેતી કપચીનો વેપાર કરતા અપરણિત કૌશલ નાનજીભાઇ કાકડીયા (ઉ.વ.43, રહે.ઘર નં.373, હરીદર્શન સોસાયટી હરીદર્શનના ખાડામાં, સિંગણપોર ગામ, સુરત. મુળ રહે.ગોરડકા, તા.ગઢડા, જી.બોટાદ)નાંની ધરપકડ કરી હતી. તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, તે સગા સંબંધી અને મિત્ર વર્તુળની મહિલાઓ સાથે મહિલા બની અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ પર બિભત્સ મેસેજ કરી તેમજ ઓડિયો-વિડીયો કોલ કરી પરેશાન કરી વિકૃત આનંદ મેળવે છે વધુ તપાસ પીએસઆઈ કરી રહ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application