ગાંધીનગરના માણસા શહેરના ગાંધીનગર રોડ પર આવેલ ગાયત્રી શક્તિપીઠમાં રાત્રીએ અજાણ્યા ચોર ઈસમોએ મંદિરના એકાઉન્ટ વિભાગની ઓફિસના દરવાજાનો નકુચો તોડી અંદરના રૂમોમાં મૂકેલી લોખંડની તિજોરી તોડી તેમાંથી 6 લાખ રૂપિયાની રોકડ અને 80 હજાર રૂપિયાના ચાંદીના સિક્કાની ચોરી કરી શક્તિપીઠની બાજુમાં આવેલ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટની ઓફિસના પણ તાળા તોડયા હતા પરંતુ ત્યાંથી કઈ ચોરી થવા પામી ન હતી ઉપરાંત મંદિરની પાછળની બાજુમાં આવેલ એક કંપનીમાં પણ ચોર ઈસામોએ ઓફિસના ડ્રોઅરો તોડી તેમાંથી રોકડ રકમ અને ચાંદીના સિક્કાની ચોરી કરી ભાગી છૂટયા હતા. ચોરી અંગે માણસા પોલીસે ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર રોડ પર આવેલ ગાયત્રી શક્તિપીઠમાં રાત્રિના સમયે અજાણ્યા ચોર ઇસમોએ મંદિરના એકાઉન્ટ વિભાગની ઓફિસના મુખ્ય દરવાજાના નકુચાનું તાળું તોડી અંદરના અલગ અલગ રૂમમાં મૂકવામાં આવેલી લોખંડની તિજોરીઓને હથિયાર વડે બળપૂર્વક તોડી અલગ અલગ તિજોરીમાંથી 6 લાખ રૂપિયાની રોકડ રકમ અને 80 હજાર રૂપિયાની કિંમતના ચાંદીના 105 નંગ સિક્કાની ચોરી કરી તેની બાજુમાં આવેલ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટની ઓફિસના પણ તાળા તોડયા હતા પરંતુ ત્યાંથી કોઈ વસ્તુની ચોરી થવા પામી ન હતી અને આજે જ્યારે શક્તિપીઠ ની ઓફિસના એકાઉન્ટન્ટ વહેલી સવારે દરવાજાનો નકુચો તૂટેલો જોતા તેમણે તાત્કાલિક ચોરી બાબતે ટ્રસ્ટીને જાણ કરી બોલાવી લીધા હતા.
ત્યારબાદ પોલીસે આવી વધુ તપાસ હાથ ધરી હતી તો આ મંદિરની પાછળની બાજુ આવેલ સી પ્લાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રાત્રિના દોઢ વાગે અજાણ્યા બુકાનીધારી બે ચોર ઈસમો કંપનીના કમ્પાઉન્ડ વોલની ફેન્સીંગના તાર કાપી અંદર પ્રવેશી મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદરની ઓફિસના અલગ અલગ ડ્રોવર તોડી તેમાંથી 19,590/- રૂપિયાની રોકડ અને 1,400 રૂપિયાની કિંમતનો ચાંદીનો સિક્કો મળી 20,970 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા ત્યારે પોલીસે ગાયત્રી શક્તિપીઠના એકાઉન્ટન્ટ ગોરધનભાઈ જોઈતારામ પટેલ અને સી પ્લાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજર રમેશભાઈ મંગળદાસ પટેલની ફરિયાદ લઈ અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ માણસા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500